રાખનાં રમકડાં
“મારી આવી મુશ્કેલીની વાત ખાનગીમાં ભાભીને કરૂ તો તેઓ ચોક્કસ કંઇક રસ્તો કાઢશે. જો આમ થાય તો લગભગ બધી જ ચિંતા ઉકલી જશે. કારણ કે ભાભીને મારા પ્રત્યે ખૂબ જ લાગણી હોય તેવું મેં અનુભવ્યું છે. પરંતુ ભાભીને આવી વાત કરવી કેમ ? જોઇએ, એવો સમય અને એવી તક મળે ત્યારે વાત કરી લઈશ. મનમાં આવો નિશ્ચય કરીને મહેશે તેની આંખો સાચે જ બંધ કરી લીધી.
જ્યારે મહેશની આંખ ઊઘડી અને તેણે ઘડિયાળમાં જોયું તો સાંજના સાડા છ થયા હતા. એટલે તો તે ઝડપથી પલંગ પરથી બેઠો થયો. બાથરૂમમાં જઇ તેણે મોઢું ધોયું અને પછી આમ-તેમ નજર કરી સીધો જ બેઠકરૂમ એટલે કે હોલ તરફ ચાલતો થયો. જાયું તો હોલમાં કોઇ હતું નહીં એટલે પછી તે એમ જ સોફા પર બેસીને આજનું છાપુ ખોલી વાંચવા લાગ્યો.
થોડીવાર થઇ ત્યાં તો શાંતુ જ બેઠકરૂમમાં દાખલ થઇ અને સોફા પર બેસતાં વેત જ બોલી: “દામલ કયાં ?”
“મને ખબર નથી ભાભી…., હું તો દસ મિનિટ પહેલાં જ આ રૂમમાં આવ્યો છું. કારણ કે આજે બપોરના ભરપેટ જમ્યા પછી મને તો સારી એવી ઊંઘ આવી ગઇ… ” મહેશે જવાબ આપ્યો.
મહેશનો આવો જવાબ મળતા શાંતુ કંઇ બોલી નહીં પરંતુ… તે ઊભી થઇ અને સીધી જ તેના બેડરૂમમાં ચાલી ગઇ. થોડીવારમાં તો તે ત્યાંથી પાછી આવી સોફા પર બેસતા બોલી: “દામલ તો બેડરૂમમાં નથી. મને લાગે છે કે તે માવો મસાલો ખાવા ચાલ્યો ગયો હશે….”
શાંતુ તો એમ જ સોફા પર બેઠી હતી ને ત્યારે મહેશને વિચાર આવ્યો કે, અત્યારે દામલ પણ હાજર નથી એટલે વાત કરવા માટે આ સમય ઉત્તમ છે. આવી તક પછી કયારે મળે ? વળી ભાભી પણ અહી સામે જ બેઠાં છે થોડી વિનંતી કરૂ… તો મારૂં કામ થઇ જાય. આમ વિચારી મહેશે શાંતુભાભી સામે જાઇ જરા સ્મિત કરીને પૂછયું: “એક વાત પૂછું ભાભી….?”
મહેશનું આવું કહેવું સાંભળી શાંતુ હસતાં હસતાં તરત જ બોલી: “મારી સાથે તારે વાત કરવા માટે મારી રજા લેવાની હોય…? જે કંઇ કહેવાનું કે પૂછવાનું હોય તે નિઃસંકોચ બોલી દે….”
શાંતુના આવા શબ્દો સાંભળી મહેશ સાવ ધીમેથી બોલ્યો:
“હવે વાત એમ છે ભાભી…, મારે તો આ ગામમાં જ રહેવાનું છે. એકલ પંડે છું, નોકરી કરવી છે એટલે આ ગામમાં રહેવું તો પડશે જ ને ? મને તો ખૂબ જ ચિંતા થાય છે કે, હવે હું શું કરીશ… ? એટલે થયું કે ભાભીને પૂછું તો જ મારી ચિંતાનો ઉકેલ આવશે. હવે તમે જ કહો, આવી રીતે તમારે ત્યાં મારે કેટલા દિવસ રહેવું ? તેથી તો હું કહુ છું કે આ તમારા મકાનની આસપાસ મને એકાદ સારી એવી રૂમ ભાડે મળી જાય તો ખૂબ સારૂં અને બીજી વાત: અહી જમવા માટે સારી એવી લોજ કે પછી…. ”
“એમ નહીં ભાભી…., હવે આ તો રોજનું થયું. વધારે વખત આમ આવી રીતે તમારે ત્યાં રહેવું એ સારૂં પણ ન લાગે. તમને તો ઠીક પરંતુ દામલ સાહેબને અનુકૂળ હોય કે ન પણ હોય, એટલે…” મહેશ આગળ બોલતા અટકયો.
“સારૂં, દામલ આવે એટલે રાતના નિરાંતે હું તેને આ બાબતે વાત કરીશ, એ પણ તારી હાજરીમાં જ, બસ ! પરંતુ હું વાત કરૂં ત્યારે તારે વચ્ચે કંઇ જ બોલવાનું નથી. તારે માત્ર સાંભળ્યા કરવાનું, બરાબર…. ? ”
“તમે કહો તેમ, હું એક શબ્દ પણ નહીં બોલું ભાભી ! પરંતુ આટલું મારૂં કામ તમે વ્યવસ્થિત કરી દો તો…, તમારો ઉપકાર હું જિંદગીભર નહીં જ ભૂલું…”.
“અરે… આવું ન બોલ મહેશ. એમાં વળી ઉપકાર શેનો ? સમજી લે, હું તારૂં આ કામ ચોક્કસ કરી દઇશ. પરંતુ પછી જરૂ પડયે તારે તારી આ ભાભીનું કામ પણ કરવું પડશે. ભૂલી ન જતો, યાદ રાખજે પછી ખરે ટાણે હા…. ના… હા…. ના… કરીશ એ નહીં ચાલે, સમજયો..? ” શાંતુ વટથી બોલી.
“કોઇપણ નાના-મોટા કામની તમને ના નહીં કહું…. ભાભી ! કયારેય ના નહીં કહું બસ ! તમે મારા પર વિશ્વાસ રાખજો.” મહેશે કહ્યું.
ને, બરાબર આ વાત પૂરી થઇ ત્યારે એ સમયે જ દામલ આવ્યો. સાચે જ તે માવો લેવા માટે પાનને ગલ્લે ગયો હતો. આવીને તે પણ સોફામાં બેઠો ને પછી થોડી આડી-અવળી વાતો કરીને શાંતુ તો રસોઇ બનાવવા માટે રસોડામાં ચાલી ગઇ. (ક્રમશઃ)











































