(૧)ચા પીવે તે ચબરાક તો દૂધ પીવે તેને શુ ઉપનામ આપી શકાય?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
દૂધરાક.
(૨)તમે ગોળગોળ જવાબ કેમ આપો છો?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
સવાલ લંબચોરસ હોય છેને!
(૩)ગાડી જો ડ્રાઇવર વગર રિમોટથી ચાલતી હોય તો ડ્રાઇવરની શું જરૂર છે? માહીબેન ડણાક (અમરેલી)
રિમોટ ચલાવવા ડ્રાઈવરની જરૂર પડેને!
(૪)અભી ના જાઓ છોડકર કી દિલ અભી ભરા નહી!.. તો જવું ક્યારે? દર્શન પટેલ (વડોદરા)
ગયા જ શું કામ?
(૫)કેટલા કિલો બદામ ખાઈએ તો બુધ્ધિ આવે?
રમાબેન પટેલ (અમદાવાદ)
તમે કેટલા કિલોએ પહોંચ્યા છો?!
(૬)તમે અમારા ગામની મુલાકાતે આવી ગયા પણ અમને જાણ પણ ન કરી?
અશોકભાઈ નાથાભાઈ (જસદણ)
હું ક્યાંય જાઉં છું એની કોઈને જાણ કરતો નથી. કારણ કે ખબર પડે એટલે લોકોના ટોળા ભેગા થઈ જાય છે.ઉઘરાણી કરવા!
(૭)પહેલાંના અને હવેના મકાનમાં શું તફાવત?
નીરવ ડણાંક (અમરેલી)
પહેલાં મકાનોની દિવાલોને માત્ર કાન જ હતા , હવે કેમેરા પણ હોય છે!
(૮)સલાહ આપવી સારી કે લેવી સારી ?
જીગર યાદવ (ગુરુ) (દાત્રાણા-પાટણ)
આમાં મારે સલાહ આપવાની છે કે જવાબ?
(૯)સાહેબ..! મનમાં ને મનમાં મુંઝારો ક્યારે થાય..?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
કોઈક આવો સવાલ પૂછે ત્યારે.
(૧૦)સાહેબ..! જમીનમાં ગુરૂત્વાકર્ષણ છે તો પણ વિમાનો ઊંચે કેમ ઉડે..?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા )
એ નિયમની તમને ખબર હોય, વિમાનને ન હોયને!
(૧૧)જ્યાં સજ્જન માણસનો વસવાટ હોય એને શું કહેવાય?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
અમારી સોસાયટીનું નામ તો તમને આવડે જ છે.
(૧૨) સરકાર કૂતરાની ગણતરીનું કામ હાસ્ય કલાકારોને આપે તો? રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
કૂતરાને દાંત કાઢતા આવડી જાય અને પછી શેરીમાં કૂતરાં સામસામે ભસે નહી, હસે!
(૧૩)તમને ડિજિટલ એરેસ્ટ કર્યા હોય તો હેકરને કેટલા કરોડની કમાણી થાય? કનુભાઈ પરમાર (દામનગર)
ઊલટાના એ મને વાપરવાના આપી જાય!
(૧૪)શ્વાન ગણતરીમાં તેમના પૂર્વજોના નામ ક્યાંથી મળશે? જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
પૂર્વજોના નામ તો પછીની વાત છે પણ અત્યારના શ્વાનના નામ પણ ક્યાંથી કાઢીશું?
(૧૫) કોઈ શ્વાન આજે આ શેરીમાં હોય તો કાલે બીજી શેરીમાં હોય. તો એની ગણતરી કેમ કરવી?
બકુલભાઈ વિજયભાઈ (અમરેલી)
એ શ્વાન છે, માણસ નહી. પોતાની હદની બહાર ન જાય.
(૧૬)લોકોમાં વાંચનપ્રેમ વધે એ માટે શું કરવું જોઈએ?
રામભાઈ પટેલ (સુરત)
પુસ્તકાલયમાંથી લઈ આવ્યા હો એ પુસ્તક પરત કરવું!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..