ભારતીય ન્યાયતંત્ર ભ્રષ્ટાચારમુક્ત છે ?
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (દ્ગઝ્રઈઇ્)એ ધોરણ ૮ના સોશિયલ સાયન્સના પુસ્તકમાં ‘જ્યુડિશિયલ કરપ્શન’નું પ્રકરણ સમાવ્યું તેના કારણે વિવાદ થઈ ગયો છે. જ્યુડિશિયલ કરપ્શન એટલે કે ‘ન્યાયિક ભ્રષ્ટાચાર’ના પ્રકરણથી અકળાયેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ન્યાયતંત્રની બદનામી સહન નહીં કરાય એવો હુંકાર કરીને તપાસના આદેશ આપી દીધા છે. જસ્ટિસ સૂર્યકાન્તે એવી ટીકા પણ કરી કે, રાજકારણ, વહીવટી તંત્ર કે જાહેર જીવનમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ સુધ્ધાં નહીં કરીને માત્ર ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર હોય એવી છાપ બાળકોના માનસમાં ઉભી કરવા પાછળ કોઈ ષડયંત્ર લાગી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટના આકરા તેવર જોયા પછી એનસીઈઆરટીએ આ પ્રકરણ ધરાવતાં તમામ પુસ્તકો બજારમાંથી પાછાં ખેંચી લીધાં છે અને નિષ્ણાતોની સલાહને આધારે આખું પ્રકરણ નવેસરથી લખવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ બિનશરતી માફી માંગી લીધી. આ પુસ્તક લખનારા બે લેખકો પર આ અક્ષમ્ય ભૂલ બદલ પાઠ્યપુસ્તકો લખવામાંથી આજીવન પ્રતિબંધ મૂકી દેવાયો છે.
સુપ્રીમ કોર્ટના વલણે ન્યાયતંત્ર ખરેખર શુધ્ધ છે એ ચર્ચા છેડી દીધી છે.
જો કે સુપ્રીમ કોર્ટ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર નહીં હોવાનો દાવો નથી કરી રહી પણ આ વિષયનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવા સામે વાંધો લઈ રહી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટને બીજાં કોઈ ક્ષેત્રને બદલે માત્ર ન્યાયતંત્રના ભ્રષ્ટાચારની વાત કરવા સામે પણ વાંધો છે. આ બંને વાંધા સમજી શકાય એવા છે પણ સુપ્રીમ કોર્ટના વાંધાના કારણે ભારતીય ન્યાયતંત્ર ભ્રષ્ટાચારમુક્ત છે એવું સાબિત થવાનું નથી.
ભારતીયોને ચૂંટાયેલી પાંખ, વહીવટી તંત્ર, ન્યાયતંત્ર અને મીડિયા એ લોકશાહીના ચાર આધારસ્તંભોમાંથી સૌથી વધારે ભરોસો ન્યાયતંત્રમાં છે. સામાન્ય લોકો માને છે કે, ભારતમાં લોકશાહીના બાકીના ત્રણ પાયા ડગમગી ગયા જ્યારે ન્યાયતંત્ર જ સબૂત છે. આ માન્યતા સંપૂર્ણ ખોટી નથી પણ સાથે સાથે એ વાસ્તવિકતા પણ છે કે, ભારતીય ન્યાયતંત્ર પણ એકદમ દૂધે ધોયેલું નથી જ. ભારતીય ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચારનો સડો તો પેઠેલો જ છે.
આપણે સમગ્ર ન્યાયતંત્રની નહીં પણ માત્ર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધિશો સાથે સંકળાયેલા વિવાદોની વાતો કરીશું તો પણ આ વાત સમજાશે.
ભારતીય ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર હોવાની વાત ખુદ ચીફ જસ્ટિસે સ્વીકારી હતી.
રાઈટ ટુ ઈન્ફર્મેશન (આરટીઆઈ) એક્ટ માટે ઝુંબેશ ચલાવનારા ટોચના બંધારણવિદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શાંતિ ભૂષણે ૨૦૧૦માં સુપ્રીમ કોર્ટના આઠ ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ભ્રષ્ટ હતા એવો આક્ષેપ કરતી અરજી કરી હતી. શાંતિ ભૂષણે અરજીમાં કુલ ૧૬ ચીફ જસ્ટિસનાં નામ આપેલાં પણ પછી એવું કહેલું કે, ૧૬માંથી ૮ ચીફ જસ્ટિસ તો સો ટકા ભ્રષ્ટ હતા તેથી તેમણે આપેલા ચુકાદાઓની તપાસ થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે ભૂષણની અરજી નહોતી સ્વીકારી પણ જસ્ટિસ રાજેન્દ્રમલ લોઢા ચીફ જસ્ટિસ બન્યા ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે, ભારતીય ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે અને આ ગંભીર સમસ્યા છે.
સુપ્રીમ કોર્ટનાં એક જજ જસ્ટિસ રૂમા પાલે ન્યાયતંત્રમાં સેવન સિન્સ એટલે કે સાત પાપ ઘૂસી ગયાં હોવાનું નિવેદન કર્યું હતું. સાથીઓના અન્યાય વર્તન સામે ચૂપ રહેવું, ન્યાયતંત્રની સ્વતંત્રતા નિયમોના ધજાગરા ઉડાડવા, જજોની નિમણૂકમાં ભ્રષ્ટાચાર, સગાવાદ, અહંકાર વગેરે સાત પાપ જસ્ટિસ રૂમા પાલે ગણાવેલાં.
ચીફ જસ્ટિસ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોનો વીડિયો પણ વાયરલ થયો છે.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ કે.જી. બાલકૃષ્ણન ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ લેવાના વિવાદમાં ફસાયા હતા. કોંગ્રેસે કર્ણાટકમાં ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણી ટાણે ભાજપના શ્રીરામુલુ, ખનિજ માફિયા રેડ્ડી બંધુઓ અને સુપ્રીમ બાલકૃષ્ણનના જમાઈ શ્રીનિજનનો વીડિયો જાહેર કર્યો હતા વીડિયોમાં શ્રીરામુલુ શ્રીનિજન સાથે રેડ્ડી બંધુઓની તરફેણમાં ચુકાદો આપવા માટે ચીફ જસ્ટિસને આપવાની લાંચની રકમ નક્કી કરતા હોવાનું બતાવાયું હતું.
સુપ્રીમ કોર્ટે રેડ્ડી બંધુઓની તરફેણમાં ચુકાદો આપ્યો તેના એક દિવસ પછી ચીફ જસ્ટિસ કે.જી. બાલાકૃષ્ણન નિવૃત્ત થયેલા. કોંગ્રેસનો આક્ષેપ હતો કે, રેડ્ડી બંધુઓને ફાયદો કરાવવા ૧૦૦ કરોડ રૂપિયામાં સોદો થયેલો. રેડ્ડી બંધુઓ ફરી ના જાય એટલે ચીફ જસ્ટિસના જમાઈએ વીડિયો ઉતારેલો. છૂટી ગયા પછી રેડ્ડી બંધુએ નક્કી કરેલી રકમ ના આપતાં જમાઈએ આ વીડિયો જાહેર કરી દીધો હતો.
કોંગ્રેસે ૨૦૧૮માં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે ઈમ્પીચમેન્ટ મોશન લાવવા પ્રયત્ન કરેલો પણ રાજ્યસભાના ચેરપર્સન વેકૈંયા નાયડુએ આ દરખાસ્ત નહોતી સ્વીકારી. સુપ્રીમ કોર્ટના જજ વી. રામાસ્વામી સામે ૧૯૯૩માં મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી હતી પણ આ દરખાસ્ત પસાર નહોતી થઈ.
ઈમ્પીચમેન્ટ મોશન લાવીને દૂર કરવાની કાર્યવાહી કરાઈ હોય તેવા રામાસ્વામી પહેલા ભારતીય જજ બન્યા હતા. રાજીવ ગાંધીના માનીતા રામાસ્વામીને પંજાબના આતંકવાદના કેસોના નિકાલ માટે પંજાબ અને હરિયાણા (ચંદીગઢ) હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવ્યા ત્યારે તેમણે કરેલા બેફામ ભ્રષ્ટાચાર બદલ તેમની સામે ઈમ્પીચમેન્ટ મોશન લવાયેલી પણ કોંગ્રેસે મતદાનમાં ગેરહાજર રહેવનું પસંદ કરીને રામાસ્વામીને બચાવી લીધા હતા.
કોલકાતા હાઈકોર્ટના જજ જસ્ટિસ સૌમિત્ર સેન, સિક્કિમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પી. ડી. દિનાકરન અને આંધ્રપ્રદેશ અને તેલંગણા હાઇકોર્ટના જસ્ટિસ નાગાર્જુન રેડ્ડી સામે પણ ઈમ્પીચમેન્ટ મોશન લવાયેલી પણ મોશન પસાર નહોતી થઈ. કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ કર્ણન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ૨૦ જજ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. એક જજ સામે બળાત્કારનો ગંભીર આક્ષેપ કરેલો. આ આક્ષેપોની તપાસ કરવાના બદલે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ કર્ણન સામે કાર્યવાહી શરૂ કરીને તેમને છ મહિનાની જેલની સજા ફટકારી હતી. હાઈકોર્ટના વર્તમાન જજને કોર્ટની અવમાનના બદલ છ મહિનાની જેલની સજા થઈ હોય એવો આ દેશનો એક માત્ર કિસ્સો છે.
ગયા વરસે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધિશ જસ્ટિસ યશવંત વર્માના ઘરે લાગેલી આગ બુઝાવવા ગયેલા ફાયર બ્રિગેડના જવાનોને કરોડો રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી એ પણ ન્યાયતંત્રના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો છે. આ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે કોઈ નક્કર પગલાં નથી લીધાં.
સુપ્રીમ કોર્ટના ચાર જજે એક સાથે સુપ્રીમ કોર્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હોવાની ઘટના પણ ભારતમાં બની છે. ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટના ચાર જજ જસ્ટિસ જસ્તી ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે જસ્ટિસ ચેલમેશ્વરના ઘરે પત્રકાર પરિષદ યોજીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે ગભીર આક્ષેપો કર્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ ચાલતી હોવાનો આક્ષેપ કરીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની કામગીરી અને પ્રમાણિકતા સામે પણ સવાલો કર્યા હતા. ભારતમાં પહેલી વાર એવું બન્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સામે સુપ્રીમના જ ચાર જજે આક્ષેપો કર્યા હોય. સુપ્રીમ કોર્ટમાં ભ્રષ્ટાચાર ચાલે છે એવું ચાર જજે પોતે કહેલું છતાં આ મામલે કશું ના થયું. જસ્ટિસ દીપક મિશ્રા સામે થયેલા આક્ષેપોની કદી તપાસ ના થઈ.
આ તો થોડીક જ ઘટનાઓ છે પણ તેના પરથી સ્પષ્ટ થાય છે કે, ભારતમાં હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટ પણ ભ્રષ્ટાચારથી મુક્ત નથી. હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટના જજો પણ ભ્રષ્ટાચારના કાદવથી ખરડાયેલા જ છે.
અલબત્ત બીજાં ક્ષેત્રોમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારની સરખામણીમાં ન્યાયતંત્રમાં ઓછો ભ્રષ્ટાચાર છે એ પણ સ્વીકારવું પડે. રાજકારણ અને વહીવટી તંત્રમાં તો પ્રમાણિક માણસ શોધવો એ ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું કપરું કામ છે. જાહેર જીવનની સંસ્થાઓ, કોર્પોરેટ કંપનીઓ, બેંકો સહિતનાં બીજાં તમામ ક્ષેત્રોમાં પણ એ જ હાલત છે. ન્યાયતંત્ર સાવ એ હદે ખાડે ગયું નથી. બલ્કે હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટ દ્વારા સમયાંતરે એવા ચુકાદા અપાતા રહે છે કે જેના કારણે લોકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ ટકી રહે. બીજો કોઈ આરો ના દેખાય ત્યારે લોકોને ન્યાયતંત્ર ન્યાય અપાવશે એવો વિશ્વાસ છે એ જોતાં ન્યાયતંત્રને જ ભ્રષ્ટાચારી ચિતરવું યોગ્ય નથી જ.






































