નેપાળના મોટા ભાગોમાં ભારે વરસાદને કારણે ૨૬ ઓગસ્ટના રોજ ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને પુનઃસ્થાપન પ્રયાસો માટે નવા પડકારો ઉભા થયા છે. અધિકારીઓએ ભૂસ્ખલન, પૂર અને કાટમાળના પ્રવાહના વધતા જોખમની ચેતવણી આપી છે.
નેપાળના જળવિજ્ઞાન અને હવામાન વિભાગે દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગંડકી અને લુમ્બીની પ્રાંતના ભાગોમાં પણ ભારે વરસાદ શક્ય છે. રાષ્ટ્રીય આપત્તિ જાખમ ઘટાડો અને વ્યવસ્થાપન સત્તામંડળ હવામાન અને પૂર આગાહી એજન્સીઓ સાથે મળીને નદીના પાણીના સ્તર અને આપત્તિ જાખમનું નિરીક્ષણ કરી રહ્યું છે.
૨૬ ઓગસ્ટના રોજ, નેપાળ-તિબેટ સરહદ નજીક અચાનક આવેલા પૂરે ઉત્તર અને મધ્ય નેપાળના શહેરો અને ગામડાઓમાં ભારે વિનાશ વેર્યો. હિમાલય સરહદી પ્રદેશથી દક્ષિણ તરફ વહેતી ભોટેકોશી નદીનું પાણી નીચે તરફ વહેતું થયું, જેનાથી ઘરો, વાહનો, રસ્તાઓ અને પુલો તણાઈ ગયા. પૂરથી જળવિદ્યુત પ્રોજેક્ટ્‌સને પણ નુકસાન થયું.
આ આપત્તિમાં ૧,૪૫૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા, જ્યારે આશરે ૫,૬૦૦ ગુમ છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી
છે કે હાલનો વરસાદ ૨૬ ઓગસ્ટના પૂરનું પુનરાવર્તન નથી. જોકે, હવામાન નિષ્ણાતો અને અધિકારીઓએ ભૂસ્ખલન, પૂર, કાટમાળ વહેવા અને રસ્તાઓ અને અન્ય માળખાગત સુવિધાઓને વધુ નુકસાન થવાના જાખમ અંગે ચેતવણી આપી છે.
હાલના વરસાદથી એવા વિસ્તારોમાં જાખમ વધવાની ધારણા છે જ્યાં ઓગસ્ટની આપત્તિમાં રસ્તાઓ, નદી કિનારા અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું હતું. તાજા વરસાદથી ઓગસ્ટના પૂરથી પ્રભાવિત ઓછામાં ઓછા બે જિલ્લાઓમાં નવા ભૂસ્ખલન થયા છે.
ધાડિંગ જિલ્લામાં ભૂસ્ખલનથી પૃથ્વી હાઇવે પર સાત સ્થળોએ અસર થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, કૃષ્ણાભિર અને તિગ્રાંગ ખોલામાં રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પાંચ અન્ય સ્થળોએ ટ્રાફિક એક લેન સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે. સતત વરસાદ અને વારંવાર ભૂસ્ખલનને કારણે કાટમાળ દૂર કરવાની કામગીરી પણ અવરોધાઈ રહી છે.
ઓગસ્ટમાં પૂર બાદ ૧૮ દિવસ માટે બંધ રહ્યા બાદ પૃથ્વી હાઇવે તાજેતરમાં ફરીથી ખોલવામાં આવ્યો હતો. પૂરથી કૃષ્ણાભિર નજીક હાઇવેના કેટલાક ભાગોને નુકસાન થયું હતું. રોડ કનેકટીવિટી પુનઃસ્થાપિત કરવા માટે ૧૭ સપ્ટેમ્બરના રોજ ત્યાં એક નવો ટ્રેક ખોલવામાં આવ્યો હતો.
કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, પડોશી ચિત્વન જિલ્લામાં, ભૂસ્ખલનને કારણે પૃથ્વી હાઇવે અને નારાયણગઢ-મુગલીન રોડ પણ બંધ કરવામાં આવ્યા છે અને ચાલુ વરસાદ વચ્ચે વધુ ઘટનાઓનું જોખમ છે.
વર્તમાન હવામાન પરિસ્થીતિઓને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ કેટલાક મુખ્ય ધોરીમાર્ગો પર મુસાફરી પ્રતિબંધો લાદ્યા છે અને અન્ય સાવચેતીના પગલાં લીધા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, નેપાળના વડા પ્રધાન બાલેન્દ્ર શાહે જનતાને ભારે વરસાદ દરમિયાન સતર્ક રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને નદીઓ અને નાળાઓ નજીકના સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરી છે.