સાવરકુંડલા શહેરમાં દીપાવલીની રાત્રે વર્ષોથી અનોખું ઈંગોરીયા યુધ્ધ ખેલાય છે. આશરે આઠ દાયકાથી ચાલી આવતી આ પરંપરા આજે પણ એ જ ઉત્સાહ અને જુસ્સા સાથે જળવાઈ રહી છે. આ અનોખી રમતને નિહાળવા માટે સૌરાષ્ટ્ર સહિત દૂરદૂરથી હજારો લોકો સાવરકુંડલા આવે છે. ઈંગોરીયું એક વૃક્ષનું ફળ છે, જે ચીકુ જેવું દેખાય છે. દિવાળી પહેલાં યુવાનો ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરીયાં એકત્ર કરી સુકવે છે. ત્યારબાદ તેની છાલ કાઢી અંદર દારૂગોળાનું મિશ્રણ ભરી તૈયાર કરવામાં આવે છે. દિવાળીની રાત્રે સાવર અને કુંડલા એમ બે જૂથમાં વહેંચાયેલા યુવાનો સામસામે સળગતાં ઈંગોરીયાં ફેંકીને આગનું યુધ્ધ ખેલે છે. આ દ્રશ્યોમાં આગના ફુવારા, રોકેટ જેવી ગતિ અને યુવાનોની કીકીયારીઓથી વાતાવરણ રોમાંચક બની જાય છે. રાત્રે આશરે દસ વાગ્યાથી શરૂ થતી આ રમત સવાર સુધી ચાલે છે. સમયની સાથે ઈંગોરીયાંનાં વૃક્ષો ઘટતાં તેનું સ્થાન સી.ડી.એ લીધું અને હવે કોકડાંનો ઉપયોગ પણ થવા લાગ્યો છે. માધ્યમ બદલાયાં છે, પરંતુ પરંપરાનો ઉત્સાહ યથાવત્ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે. આગના આ અનોખા યુધ્ધ બાદ સવારે યુવાનો એકબીજાને ગળે મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને આનંદભેર છૂટા પડે છે.