રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે બિહાર વિધાનસભા ચૂંટણીમાં સત્તા જીતે તો મહિલાઓને ૩૦,૦૦૦ રૂપિયાની એક વખતની નાણાકીય સહાયની જાહેરાત કરી. તેમણે કહ્યું, “અમે સરકાર બનાવતાની સાથે જ, માતાઓ અને બહેનોની માંગણીઓ પૂર્ણ કરવા માટે, ૧૪ જાન્યુઆરી, મકરસંક્રાંતિ પર તેમના ખાતામાં એક વર્ષ માટે ૩૦,૦૦૦ રૂપિયા જમા કરીશું.” તેજસ્વીએ ખેડૂતો માટે મફત વીજળીનું પણ વચન આપ્યું હતું. તેમણે કહ્યું, “ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી પૂરી પાડવામાં આવશે. હાલમાં, રાજ્ય સરકાર પ્રતિ યુનિટ ૫૫ પૈસા વસૂલ કરે છે, પરંતુ અમે તેને શૂન્ય કરીશું.”તેજશ્વીએ જાહેરાત કરી કે જા તેઓ સત્તામાં આવશે, તો તેઓ ખેડૂતોને ડાંગર અને ઘઉં માટે લઘુત્તમ ટેકાના ભાવ કરતાં વધુ ભંડોળ પૂરું પાડશે. તેજસ્વીએ કહ્યું, “એમએસપી ઉપરાંત, ડાંગર માટે પ્રતિ ક્વિન્ટલ વધારાના રૂ. ૩૦૦ અને ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ ૪૦૦ રૂ. આપવામાં આવશે.” તેજસ્વી યાદવે કહ્યું કે જા મહાગઠબંધન સરકાર બનાવે છે, તો પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ) અને વેપાર બોર્ડના વડાઓને જનપ્રતિનિધિઓનો દરજ્જા આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું, “જા અમે સત્તામાં આવીશું, તો રાજ્યમાં નોંધાયેલા ૮,૪૦૦ વેપાર બોર્ડ અને પીએસીએસના સંચાલકોને પણ માનદ વેતન આપવામાં આવશે.”ગયા અઠવાડિયે, તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે વિપક્ષી મહાગઠબંધન આગામી સરકાર બનાવશે અને શપથવિધિ સમારોહ પરિણામોના ચાર દિવસ પછી થશે. તેમણે કહ્યું, “બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો ૧૪ નવેમ્બરે જાહેર કરવામાં આવશે, અને શપથવિધિ સમારોહ ૧૮ નવેમ્બરે થશે.” મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી, જેડીયુના ઉમેદવાર, મોકોમાના ભૂતપૂર્વ ધારાસભ્ય અનંત સિંહની ધરપકડના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. સિંહની દુલારચંદ યાદવની હત્યાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.નોંધનીય છે કે તેજસ્વી યાદવની બધી જાહેરાતો બિહાર ચૂંટણીમાં મતદાનના પ્રથમ તબક્કાના માત્ર બે દિવસ પહેલા આવી છે. મતદાનનો પ્રથમ તબક્કો ૬ નવેમ્બરે થશે. ૨૪૩ બેઠકોવાળી બિહાર વિધાનસભા માટે ચૂંટણી બે તબક્કામાં, ૬ નવેમ્બર અને ૧૧ નવેમ્બરે યોજાશે. પરિણામો ૧૪ નવેમ્બરે જાહેર કરવામાં આવશે.










































