વિદેશી ભંડોળના સતત વેચાણથી રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઈ છે. આના કારણે સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો નવ પૈસા ઘટીને ૭૯.૦૩ પર પહોંચી ગયો હતો. પાછલા સત્રમાં શુક્રવારે યુએસ ડોલર સામે રૂપિયો ૭૮.૯૪ પર બંધ થયો હતો.
ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ક્રૂડ ઓઈલના ભાવમાં નબળાઈએ રૂપિયાના ઘટાડાને મર્યાદિત કર્યો છે. જાકે, ભારત અને વૈશ્વિક સ્તરે ફુગાવા અને વૃદ્ધિની ચિંતાને કારણે સ્થાનિક ચલણ પર દબાણ છે, એમ તેમણે ઉમેર્યું હતું. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ નેટ રૂ. ૨,૩૨૪.૭૪ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
ઇન્ટરબેંક ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો ૭૮.૯૭ પર ખુલ્યો હતો. આ પછી, નબળા વલણ સાથે, તે ૭૯.૦૩ પર આવી ગયો અને આમ રૂપિયો અગાઉના બંધ સામે નવ પૈસા નબળો હતો.
દરમિયાન, ડોલર ઇન્ડેક્સ (જે છ મુખ્ય ચલણો સામે યુએસ ડોલરની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે) ૧૦૫.૧૪ પર હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૦.૦૮ ટકા ઘટીને ઇં૧૧૧.૫૪ પ્રતિ બેરલ થયું હતું.