વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇએસ)એ આ મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાં રૂ. ૩૮,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. વૈશ્વીક આર્થિક દૃષ્ટિકોણમાં સુધારો અને સ્થાનિક મોરચે મજબૂત મેક્રો ઇકોનોમિક પરિદ્રશ્ય વચ્ચે, એફપીઆઇએસ ભારતીય શેરબજારોમાં રોકાણ કરી રહ્યા છે. જોકે, એફપીઆઇએસ ગયા અઠવાડિયે ચોખ્ખા વેચાણકર્તા હતા અને તેમણે ૩૧૪ મિલિયનના શેરનું વેચાણ કર્યું હતું. તેનું કારણ એ છે કે તેણે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં વિદેશી રોકાણકારો વેચવાલી કરી શકે છે. કારણ કે નાણાકીય વર્ષ માર્ચમાં સમાપ્ત થઈ રહ્યું છે. વિદેશી રોકાણકારો તેમની બેલેન્સ શીટ જાળવવા માટે આ કરી શકે છે.
ડિપોઝિટરી ડેટા અનુસાર, અગાઉ ફેબ્રુઆરીમાં એફપીઆઇએસએ શેરમાં રૂ. ૧,૫૩૯ કરોડનું રોકાણ કર્યું હતું. જાન્યુઆરીમાં તેણે રૂ. ૨૫,૭૪૩ કરોડના શેર વેચ્યા હતા. એકંદરે, આ વર્ષે અત્યાર સુધીમાં, એફપીઆઇએસએ ભારતીય શેરબજારમાં રૂ. ૧૩,૮૯૩ કરોડનું રોકાણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન તેણે ડેટ અથવા બોન્ડ માર્કેટમાં ૫૫,૪૮૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. હિમાંશુ શ્રીવાસ્તવે, એસોસિયેટ ડિરેક્ટર, મેનેજર રિસર્ચ, મો‹નગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે,એફપીઆઇએસ માર્ચમાં નોંધપાત્ર ખરીદી કરી રહ્યા છે. વૈશ્વીક આર્થિક મોરચે સુધારણા અને ભારતના સકારાત્મક મેક્રો ઇકોનોમિક આઉટલૂકને કારણે, એફપીઆઇએસ ભારત જેવા ઉચ્ચ વૃદ્ધિ બજાર તરફ આગળ વધી રહ્યા છે. આ સિવાય માર્કેટમાં તાજેતરના કરેક્શને પણ તેમને રોકાણ કરવાની તક આપી છે.
શેર્સ ઉપરાંત,એફપીઆઇએસે આ મહિને ૨૨ માર્ચ સુધી ડેટ અથવા બોન્ડ માર્કેટમાં રૂ. ૧૩,૨૨૩ કરોડનું રોકાણ કર્યું છે. ડેટ અથવા બોન્ડ માર્કેટ વિશે વાત કરીએ તો, બ્લૂમબર્ગે આવતા વર્ષે ૩૧ જાન્યુઆરીથી ઇમ‹જગ માર્કેટ લોકલ કરન્સી ગવર્નમેન્ટ ઇન્ડેક્સમાં ભારતીય બોન્ડનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. આ કારણે એફપીઆઈ બોન્ડ માર્કેટમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. અગાઉ, તેઓએ ફેબ્રુઆરીમાં બોન્ડ માર્કેટમાં રૂ. ૨૨,૪૧૯ કરોડ, જાન્યુઆરીમાં રૂ. ૧૯,૮૩૬ કરોડ અને ડિસેમ્બરમાં રૂ. ૧૮,૩૦૨ કરોડ મૂક્યા હતા.