ગુજરાતમાં નાના બાળકો માટે ઘાતક સાબિત થઈ રહેલા ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોમાં દિન-પ્રતિદિન ઉછાળો જાવા મળી રહ્યો છે, જેના કારણે સમગ્ર રાજ્યનું આરોગ્ય તંત્ર હાઇ એલર્ટ પર મુકાયું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના ૨૨૫ શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્્યા છે. આ શંકાસ્પદ સેમ્પલ્સમાંથી અત્યાર સુધીમાં ૩૯ કેસ પોઝિટિવ સામે આવ્યા છે. અત્યંત ચિંતાજનક બાબત એ છે કે આ વાયરસના કારણે અત્યાર સુધીમાં ૨૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે હજુ પણ ૧૩ શંકાસ્પદ નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ આવવાના બાકી છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના હાહાકાર વચ્ચે મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા સ્થાનિકોમાં ફાફડાટ વ્યાપી ગયો છે. મહીસાગરના કડાણા તાલુકાના આકલીયા ગામના હિરલ ડામોર નામના ૭ વર્ષીય બાળકીને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યો હતો.
બાળકીની તબિયત લથડતા તેને વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જાકે, સારવાર દરમિયાન આ ૭ વર્ષીય માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. જિલ્લામાં આ વાયરસના કારણે પ્રથમ મોત થતાં જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ તથા સેનિટાઇઝેશનની કામગીરી તીવ્ર બનાવી દેવામાં આવી છે.
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે ‘રેતી માખી’ના કરડવાથી ફેલાય છે અને ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વધુ નિશાન બનાવે છે. આ વાયરસના મુખ્ય લક્ષણોમાં અચાનક ખૂબ જ સખત તાવ આવવો, ઉલટી અને મગજના ડોઝ (ઝટકા/ખેંચ) આવવા, બાળક બેભાન થઈ જવું કે અતિશય સુસ્તી આવવી.
આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ઘરની આસપાસ સફાઈ રાખવી, કાચા મકાનો કે તિરાડોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો અને જા બાળકમાં તાવ કે ખેંચ જેવા કોઈ પણ લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પર તાત્કાલિક સારવાર કરાવવી.







































