અમેરિકામાં ભારતીય મૂળના એક મોટા ઉદ્યોગપતિ સામે બેંક સાથે આશરે ૧૦૦ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૮૪૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો જઘન્ય મામલો સામે આવ્યો છે. આ કથિત મહાકૌભાંડ આશરે ૧૦૦૦ કરોડ રૂપિયાનું હોવાની આશંકા છે. આ હાઈ-પ્રોફાઈલ ફ્રોડના આરોપમાં અમેરિકી કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ૪૪ વર્ષીય મહેન્દ્ર મખીજાની નામના શખસની ધરપકડ કરી લીધી છે. મહેન્દ્ર મૂળ ભારતીય નાગરિક છે અને હાલમાં અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા પોશ કોરોના ડેલ માર વિસ્તારમાં સ્થાયી છે. હાલ તેની સામે ફેડરલ ક્રિમિનલ કમ્પ્લેઇન્ટ નોંધીને જેલ ભેગો કરાયો છે.
અમેરિકી ફેડરલ ઓથોરિટીઝના જણાવ્યા અનુસાર, આરોપી મહેન્દ્ર મખીજાની ન્યૂપોર્ટ બીચ Âસ્થત ‘કેન્ટર ગ્રુપ વી એલએલસી નામની કંપનીનું સંચાલન કરતો હતો. આ કંપનીનો અમેરિકાની એક પ્રતિષ્ઠિત બેંક સાથે ધિરાણ (લોન) કરાર હતો. આ કરારની મુખ્ય શરત એ હતી કે કંપનીએ બેંકને માત્ર એવા જ રિયલ એસ્ટેટ લોન પ્રોજેક્ટ્સ સોંપવાના હતા, જેમાં તે પ્રોપર્ટી પર સૌથી પહેલો અને કાનૂની હક માત્ર તે બેંકનો જ રહે.
આરોપ છે કે સપ્ટેમ્બર ૨૦૨૪થી એપ્રિલ ૨૦૨૫ના ગાળા દરમિયાન મહેન્દ્ર મખીજાનીએ પદ્ધતિસર નકલી દસ્તાવેજા અને બનાવટી રેકોર્ડ્સ તૈયાર કર્યા હતા, જેથી બેંકના ઉચ્ચ અધિકારીઓને એવો ભરોસો બેસે કે આ પ્રોપર્ટીઝ પર સૌથી પહેલો હક તેમનો જ છે. જ્યારે વાસ્તવિકતામાં તે મિલકતો પર અન્ય ધિરાણકર્તાઓ (લેન્ડર્સ) નો આર્થિક અને કાનૂની અધિકાર પહેલેથી જ અસ્તિત્વમાં હતો.
અમેરિકી તપાસ એજન્સીઓના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ કરોડોના સ્કેમને અંજામ આપવા માટે ટેક્નોલોજીનો બહુ મોટો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. મહેન્દ્ર મખીજાની અને તેના એક સાથીદારે એડોબ સોફ્ટવેરની મદદથી અસલી પ્રોપર્ટી દસ્તાવેજા સાથે મોટા પાયે છેડછાડ કરી હતી. તેણે ફાઇલોની મહત્વની નાણાકીય વિગતો બદલી નાખી, નકલી ટાઇટલ પોલિસી ઊભી કરી અને આ કથિત રેકોર્ડ્સ બેંકમાં સબમિટ કરી લોન મેળવી લીધી. એટલું જ નહીં, આરોપીઓએ સત્તાવાર ફોન કોલ્સ, ખોટી સ્પ્રેડશીટ્સ અને અન્ય બનાવટી રેકોર્ડ્સ દર્શાવીને બેંકના અધિકારીઓને સતત અંધારામાં રાખ્યા હોવાનો પણ એજન્સીઓનો દાવો છે.
ધરપકડ બાદ મહેન્દ્ર મખીજાનીને કેલિફોર્નિયાના સાન્ટા એના સ્થિત યુએસ ડિસ્ટ્રીક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જા કોર્ટમાં તેના પરના આ તમામ ગંભીર આરોપો સાબિત થઈ જશે, તો તેને અમેરિકી ફેડરલ જેલમાં મહત્તમ ૩૦ વર્ષ સુધીની સખત કેદની સજા થઈ શકે છે. અમેરિકી અધિકારીઓએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, બેંકિંગ સિસ્ટમ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. જ્યારે કોઈ બેંકને આવી નકલી ડિજિટલ માહિતી આપીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવે છે, ત્યારે તેની સીધી વિપરીત અસર સામાન્ય જનતા પર પડે છે. હાલમાં તપાસ એજન્સીઓ તમામ નાણાકીય વ્યવહારો અને નકલી ડિજિટલ હિસાબોની ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.










































