અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાં વણશોધાયેલ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવાની સૂચના આપવામાં આવી હતી. આ અન્વયે અમરેલી ન્ઝ્રમ્ પી.આઈ. એ.ડી. ચાવડાની રાહબરી હેઠળની ટીમે બાતમીના આધારે એક સચોટ ઓપરેશન હાથ ધરી છેતરપિંડી આચરતી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ ધાર્મિક વિધિ કરી બીમારી અને દુઃખ-દર્દ દૂર કરવાના બહાને ભોળા લોકોને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના અને રોકડ રકમ પડાવતી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, સોનાના ઢાળિયાઓ અને મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ ગેંગે અમરેલી, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં મળી કુલ ૨૦ જેટલા છેતરપિંડીના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. આ સફળતાથી અનેક અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટોળકી અમરેલી જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી સક્રિય થઈ હતી. ટોળકીના શખ્સો વૃધ્ધ અને મહિલાઓને નિશાન બનાવતા હતા. અમરેલી એલસીબીએ આ ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી પાડતા એલસીબીની કામગીરીની પ્રસંશા થઈ રહી છે. પકડાયેલા ત્રણેય આરોપી રમેશ જવેર લકુમ, ભરત સુરા લકુમ અને ઉપેન્દ્ર મીઠા લકુમ રહે.ત્રણેય રાજકોટવાળાઓએ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાને અંજામ આપ્યો હતો.
આરોપીઓએ કરેલી ગુનાની કબુલાત
વડીયા તાલુકાના જુના બાદલપુર ગામે, એક રહેણાંક મકાને પાણી પીવાના બહાને જઇ ત્યાં એક ભાઇ તથા મહિલા અને દીકરો હાજર હતા, તેઓને પોતે રાજકોટ ગામ બાજુના છીએ અને રામામંડળનું આખ્યાન રમીએ છીએ, તમો કેમ બોવ ચિંતામાં છો અને તમારો દીકરો બીમાર રહે છે તેવું કહેતા હાજર ભાઇએ તેના દીકરાને અગાઉ પેરાલીસીસ આવેલ, તેની ઘણી દવા કરાવવા છતાં સારૂ થતું નહી હોવાનું કહેલ. જેથી તેઓની પાસે અલગ અલગ વિધિઓ કરાવી બધુ સારૂ થઇ જશે તેમ કહી વિશ્વાસમાં લઇ, મહિલાએ તેના બન્ને કાનમાં પહેરેલ સોનાની બુટ્ટીઓ એક સફેદ કપડામાં મુકાવી, વિધિ કરાવવાના નામે છેતરપિંડી કરી સોનાની બન્ને બુટ્ટીઓ લઇ જતા રહેલ. ત્યારબાદ આશરે પોણા પાંચ મહિના પહેલા, વડીયા-બગસરા રોડ પર અરજણસુખ ગામ પાસે રમેશનાથ અને ઉપેન્દ્રનાથ નામના શખ્સોએ એક મહિલાને નિશાન બનાવી હતી. તરસ્યા હોવાનું કહી પાણી પીવાના બહાને તેઓ મહિલા પાસે ગયા અને પોતે સરધાર ગામના હોવાનું જણાવ્યું હતું. ‘તમે બહુ ચિંતામાં છો’ તેમ કહી, પુત્રની બીમારી દૂર કરવાનું પ્રલોભન આપી મહિલાની સોનાની કડીઓ સફેદ કપડામાં રખાવી વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. આવી જ રીતે સવા છ મહિના પહેલા બગસરાના પીઠડીયા ગામે પણ આ ટોળકીએ એક દંપતીને નિશાન બનાવ્યું હતું. ઘરમાં પ્રવેશ કરી અલગ-અલગ વિધિઓના બહાને તિજોરીમાંથી સોનાની બુટ્ટીઓ કઢાવી હતી. આ બુટ્ટીઓ ત્રણ દિવસ માટે વિધિમાં રાખવાનું કહી તેઓ રફુચક્કર થઈ ગયા હતા. આ જ મોડસ ઓપરેન્ડ આચરી રાજકોટ, મોરબી, જામનગર જિલ્લામાં પણ છેતરપિંડીના ગુનાઓ આચર્યા હોવાની કબુલાત આપી છે.
આરોપીઓની ગુનો કરવાની રીત
આ શખ્સો મુખ્યત્વે ગામડાંઓ કે વાડી વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોને પોતાનો શિકાર બનાવતા હતા. આ આરોપીઓ રસ્તો પૂછવાના કે પાણી પીવાના બહાને ઘરમાં પ્રવેશતા અને વાતોમાં લલચાવી ઘરની વિગતો જાણી લેતા હતા. તેઓ પોતાની ઓળખ ‘રામાપીરના ભગત’ તરીકે આપી, કોઈપણ પ્રકારની બીમારી કે દુઃખ-દર્દ દૂર કરવાનો દાવો કરી સામેવાળી વ્યક્તિનો વિશ્વાસ જીતતા હતા. ત્યારબાદ, વિધિ કરવાના બહાને સોનાના દાગીના મંગાવી, નજર ચૂકવીને ફરાર થઈ જતા હતા. એટલું જ નહીં, રામાપીરનું આખ્યાન કે રામામંડલ રમાડવા માટે તથા દીવેલના ખર્ચ પેટે રોકડ રકમ પડાવી લેવાની પણ તેમને ટેવ હતી.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ, મળેલ મુદ્દામાલની વિગત
આરોપી રમેશનાથ સામે માણાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જયારે આરોપી ભરતનાથ સામે માલવીયા નગર રાજકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જયારે ઉપેન્દ્ર લકુમ સામે માણાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૨,૫૦,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ત્રણ સોનાના ઢાળીયા (કુલ વજન આશરે ૧૮.૨૮ ગ્રામ) મળી આવ્યા છે, જેની બજાર કિંમત રૂ. ૨,૦૭,૦૦૦/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસને આરોપીઓ પાસેથી રૂ. ૧૮,૦૦૦/- ની રોકડ રકમ, એક કીપેડ મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ હોન્ડા ડ્રીમ મોટર સાયકલ (નંબર ય્ત્ન-૦૩-ૐહ્લ-૪૨૫૮) પણ મળી આવ્યા છે.







































