અમરેલી જિલ્લામાં કુદરતી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા ખેડૂતો સામે આર્થિક સંકટ ઘેરું બન્યું છે. ચોમાસા દરમિયાન વરસાદના લાંબા વિરામને કારણે ખેતીકામ ખોરવાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લામાં અનેક ખેડૂતોના પાકને નુકસાન થતાં તેમની આર્થિક સ્થિતિ કથળી હોવાનું સામે આવી રહ્યું છે. મોંઘા ભાવે બિયારણ, ખાતર અને અન્ય ખેતીસામગ્રી ખરીદીને વાવણી કરનારા ખેડૂતોને હવે ઉત્પાદનની આશા ઓછી થતાં આગામી ખેતીની સિઝન અંગે પણ ચિંતા સતાવી રહી છે.
ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં સારા પાકની આશા સાથે ખેતીમાં નાણાંનું રોકાણ કર્યું હતું. જોકે, લાંબા સમય સુધી વરસાદ ન પડવાની પરિસ્થિતિએ ખેતીને અસર પહોંચાડી છે. પરિણામે ઊભા પાકને નુકસાન થવાથી ખેડૂતોની મહેનત અને ખર્ચ પર પાણી ફરી વળ્યું હોવાની લાગણી પ્રવર્તી રહી છે. બીજી તરફ, પૂરતી પિયતની સુવિધા ન હોવાથી શિયાળુ અને ઉનાળુ પાકનું નવું વાવેતર કરવું પણ અનેક ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને બિનપિયત ખેતી પર નિર્ભર સામાન્ય ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની છે. આગામી સિઝનમાં ખેતી કેવી રીતે કરવી અને તેના માટે નાણાં ક્યાંથી લાવવા તેવા પ્રશ્નો ખેડૂતોને સતાવી રહ્યા છે.ખેતીના ખર્ચને પહોંચી વળવા માટે અનેક ખેડૂતોએ રાષ્ટ્રીયકૃત બેંકો અને સ્થાનિક સહકારી મંડળીઓમાંથી ધિરાણ લીધું હતું. હવે પાકને નુકસાન થતાં આવક ઘટવાની ભીતિ વચ્ચે લોનના હપ્તા અને દેવાની ચુકવણીની ચિંતા વધી છે. ખેતીમાં કરેલા ખર્ચની સામે પૂરતી આવક ન મળવાની સ્થિતિ સર્જાતાં ખેડૂત પરિવારો આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે. દેવાના બોજ અને અનિશ્ચિત ભવિષ્યને કારણે ખેડૂતોમાં ચિંતા તથા માનસિક તણાવ વધતો હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતોને સમયસર આર્થિક સહાય અને યોગ્ય માર્ગદર્શન મળે તે જરૂરી બન્યું છે. ખેડૂતોની મુશ્કેલીઓ અંગે વહીવટી તંત્ર અને સરકાર સંવેદનશીલ બની તાત્કાલિક પગલાં લે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. જો ખેડૂતોની માગણીઓ અંગે સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી રહી છે. હવે સરકાર ખેડૂતોના હિતમાં કયા પગલાં લે છે અને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા કેવા રાહતલક્ષી નિર્ણયો કરે છે તેના પર ખેડૂતોની નજર મંડાયેલી છે.
દેવા માફી અને વિશેષ રાહત પેકેજની માંગ તેજ
અમરેલી પંથકના ખેડૂતોમાં સરકારની નીતિઓ અને રાહતના અભાવને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતી આર્થિક સહાય પૂરી પાડે. ભૂતકાળમાં ખેડૂતોને દેવા માફી આપવામાં આવી હતી અને મહારાષ્ટ્રમાં પણ દેવામાફીના પગલાં લેવાયાં હોવાનો ઉલ્લેખ કરીને ગુજરાતમાં પણ સમાન ધોરણે દેવા માફીનો નિર્ણય કરવાની માંગ કરવામાં આવી રહી છે.
પાકને થયેલા નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરીને વળતર આપવાની માંગ
ખેડૂતોનું કહેવું છે કે માત્ર આશ્વાસનથી તેમની સમસ્યાઓનો ઉકેલ આવશે નહીં. પાકને થયેલા નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરીને વળતર આપવામાં આવે, કૃષિ ધિરાણની ચુકવણીમાં રાહત મળે અને આગામી સિઝન માટે બિયારણ, ખાતર તથા પિયતની વ્યવસ્થા કરવામાં સહાય મળે તે જરૂરી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિશેષ રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને આર્થિક રીતે બેઠા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
માત્ર ૪ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર
કરાતા ખેડૂતોમાં રોષ
અમરેલી સહિત અનેક જિલ્લામાં વરસાદ ઓછો આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજય સરકાર દ્વારા તાત્કાલિક ૪ જિલ્લાને જ અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. જા કે રાજયના મોટાભાગના જિલ્લામાં ઓછો વરસાદ થતા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજય સરકાર દ્વારા માત્ર ૪ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતા અમરેલી જિલ્લાના ખેડૂતોની મશ્કરી કરવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે. જેથી તાત્કાલિક સર્વે કરી અમરેલી જિલ્લાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
કોઈ નેતાઓએ હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નહી
અમરેલી જિલ્લાની પાંચેય વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો છે. રાજય સરકારે માત્ર ૪ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતા ખેડૂતોમાં સરકારની નીતિની ટીકા થઈ રહી છે. કોઈપણ જાતના સર્વે કર્યા વગર અમરેલી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો ન હોવાની ખેડૂતોમાં રોષ સાથે ચર્ચાઓ થઈ રહી છે. જો કે જિલ્લાના પાંચેય ધારાસભ્યોએ પણ અમરેલી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તે બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હોવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.




































