અમરેલી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઔદ્યોગિક એકમ બને તે માટે માંગ કરવામાં આવતી હતી. આ માટે રાજકિય અને સામાજિક આગેવાનો દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવતા હતા. આ અંગે ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી પણ સતત પ્રયત્નશીલ રહેતા હતા. આખરે દિલીપભાઈ સંઘાણીની મહેનત રંગ લાવી હતી. ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી કે, ગુજકોમાસોલ દ્વારા જે બારદાન વર્ષોથી કલક્તા બનતા હતા તે હવે આગામી સમયમાં અમરેલીમાં આવેલી ગુજકોમાસોલની જગ્યામાં બનશે. આ બારદાનની ફેકટરી બનવાથી રોજગારીની તકો વધશે અને આવનારા સમયમાં અમરેલી શહેરને નવુ ઔદ્યોગિક એકમ મળશે. દિલીપભાઈ સંઘાણીની આ જાહેરાતને હાજર રહેલા આગેવાનોએ વધાવી હતી.આ તકે નારણભાઈ કાછડીયા, અશ્વિનભાઈ સાવલીયા, ડી.કે.રૈયાણી, જયંતિભાઈ પાનસુરીયા, રામભાઈ સાનેપરા,બાબુભાઈ સખવાળા, પ્રાગજીભાઈ કાલરીયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.