ગુજરાતમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ચાર લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. કચ્છના લુણી-વડાલા રોડ પર રસ્તા વચ્ચે ગાય આડી ઉતરતાં બાઈક પરથી પટકાઈને સિનુગ્રા ગામના પિતા-પુત્રનાં મોત થયાં હતાં. જ્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવદરના કુબા રાવણી ગામ નજીક બાઈક અને ફોરવ્હીલ વચ્ચે અકસ્માત સર્જાતાં બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. બંને યુવકો માસીયાઈ ભાઈ હોવાનું સામે આવ્યું છે.
કચ્છના લુણી-વડાલા રોડ પર ગાય આડી ઉતરતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સિનુગ્રા ગામના રહેવાસી પિતા અને પુત્ર બાઈક પર પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક રસ્તા વચ્ચે ગાય આવી ગઈ હતી. ગાયને બચાવવાના પ્રયાસમાં બાઈકચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બંને રસ્તા પર જારદાર રીતે પટકાયા હતા.
અકસ્મતમાં પિતા-પુત્રને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓ જીવલેણ સાબિત થતાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામ નજીક પણ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. કુબા ગામથી મેંદરડા તરફ જઈ રહેલા બાઈક અને ફોરવ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક પર સવાર બંને યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોની ઓળખ વિરાજગીરી અતુલગીરી અને જેનીલગીરી બ્રિજેશગીરી તરીકે થઈ છે. બંને યુવકો માસીયાઈ ભાઈ હોવાનું સામે આવ્યું છે. બે યુવાન પુત્રોના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બંને અકસ્માતની ઘટનાઓમાં પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છમાં એક જ પરિવારના પિતા-પુત્રના અકાળે અવસાનથી સિનુગ્રા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બીજી તરફ, રસ્તા પર રખડતાં ઢોરના ત્રાસને કારણે સર્જાતા અકસ્માતો અંગે સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ જાવા મળી રહ્યો છે. જ્યારે, જૂનાગઢના અકસ્માતમાં ટક્કર કેવી રીતે થઈ અને બંને બનાવોની અન્ય વિગતો અંગે તપાસ બાદ વધુ સ્પષ્ટતા થશે.