અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાવર્ગ રોજગારીની શોધમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં સ્થળાંતર કરી રહ્યો છે. પરિણામે, ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે વૃધ્ધ નાગરિકો વસવાટ કરે છે, જ્યારે ખેતીકામ માટે અન્ય રાજ્યો અને વિસ્તારોમાંથી ખેતમજૂરો આવતા હોય છે. ગામડાંઓમાં યુવાનોની ગેરહાજરીને કારણે રાત્રિના સમયે ચોરી, લૂંટ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓનો ભય રહેતો હોય છે. આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા નાગરિકોમાં સુરક્ષાની ભાવના કેળવવાના હેતુથી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા ‘પ્રોજેક્ટ ઇગલ આઈ’ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટના પરિણામે હવે જિલ્લાના તમામ ૬૪૪ ગામો સીસીટીવી કેમેરાના નેટવર્કથી આવરી લેવાયા છે.ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષાનું મજબૂત માળખું ઊભું કરવા માટે આ પ્રોજેક્ટનું બે તબક્કામાં અમલીકરણ કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં જાન્યુઆરી-૨૦૨૪ દરમિયાન જિલ્લાના ૧૯૪ મહત્વપૂર્ણ જંક્શન પર ૬૪૯ ઉચ્ચ ગુણવત્તાવાળા વાઈ-ફાઈ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ કામગીરીની સફળતા બાદ સમગ્ર ગ્રામ્ય વિસ્તારને સુરક્ષાના દાયરામાં આવરી લેવાના હેતુથી ઓગસ્ટ-૨૦૨૫ થી ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન ‘પ્રોજેક્ટ ઇગલ આઈ-૨’ અમલમાં મૂકવામાં આવ્યો હતો.બીજા તબક્કામાં માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં જિલ્લાના તમામ ૬૪૪ ગામોનો સર્વે પૂર્ણ કરીને કુલ ૪,૭૨૬ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ અંતર્ગત સરેરાશ દરેક ગામમાં સાતથી આઠ ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે. ગામોના મુખ્ય પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો, ગ્રામ પંચાયત કચેરી, સરકારી શાળાઓ, મુખ્ય રસ્તાઓ તેમજ આંતરિક શેરીઓ જેવા સંવેદનશીલ વિસ્તારોને કેમેરાના આવરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.આ નેટવર્કના કારણે ગામમાં ચોરી, લૂંટ કે અન્ય ગુનાહિત બનાવ બને ત્યારે શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની અવરજવર સરળતાથી શોધી શકાશે. ખાસ કરીને અવાવરું સ્થળો કે વાડી વિસ્તારમાં બનતા ગુનાઓની તપાસમાં પોલીસને મહત્વપૂર્ણ પુરાવા મળી શકશે અને ગુનેગારો સુધી ઝડપથી પહોંચવામાં મદદ મળશે.આ સમગ્ર પ્રોજેક્ટ જાહેર જનતા અને પોલીસ વચ્ચેના સહયોગનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે. ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, ઉદ્યોગપતિઓ અને દાતાઓએ સ્વૈચ્છિક રીતે આર્થિક સહયોગ આપીને કેમેરા સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સહયોગ આપનાર દાતાઓના સન્માન માટે કેમેરા પોઈન્ટ પર તેમની નામ તકતીઓ લગાવવામાં આવી છે તેમજ સરપંચો અને દાતાઓને સન્માનપત્ર આપવામાં આવ્યાં છે.કેમેરાના મોનિટરિંગ અને જાળવણીની જવાબદારી ગ્રામ પંચાયત કચેરી મારફતે સ્થાનિક સરપંચ, તલાટી મંત્રી, સામાજિક આગેવાનો અને અમરેલી જિલ્લા પોલીસના સંયુક્ત સહયોગથી નિભાવવામાં આવશે. સમગ્ર નેટવર્કનું સીધું એક્સેસ પોલીસને પણ આપવામાં આવશે. આમ, ‘પ્રોજેક્ટ ઇગલ આઈ’ના માધ્યમથી અમરેલી જિલ્લાના તમામ ગામોમાં સુરક્ષાનું આધુનિક માળખું ઊભું થતાં ગ્રામજનોમાં સલામતીની ભાવના મજબૂત બનશે.








































