અમરેલી-ખીજડીયા મીટરગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્‌ટી (સીઆરએસ) દ્વારા સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રેલવે એન્જિનને ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડાવી લાઇનની ચકાસણી કરવામાં આવી હતી. આ પરીક્ષણ સફળ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. હવે સીઆરએસનું સત્તાવાર પ્રમાણપત્ર મળ્યા બાદ રેલવે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ, અમરેલી જિલ્લામાં રેલવેના વિકાસ, મુસાફરોની સુવિધાઓ અને નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા સહિતના વિવિધ પ્રશ્નો અંગે મિશન બ્રોડગેજ અમરેલી અને ધારી પત્રકાર સંઘ દ્વારા તા. ૨૭ ઓક્ટોબરના રોજ ભાવનગર રેલવે વિભાગના અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અમરેલી રેલવે સ્ટેશન ખાતે હાથ ધરાયેલા સુરક્ષા નિરીક્ષણ દરમિયાન સીઆરએસની ટીમ સાથે રેલવેના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી-ખીજડીયા મીટરગેજ લાઇન પર ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે એન્જિન દોડાવી રેલવે લાઇનની સુરક્ષા અને ક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. પરીક્ષણ સફળ રહ્યા બાદ હવે સત્તાવાર પ્રમાણપત્રની રાહ જોવાઈ રહી છે. પ્રમાણપત્ર મળ્યા પછી નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. મિશન બ્રોડગેજ અમરેલી દ્વારા રજૂઆતમાં અમરેલી બ્રોડગેજનો સર્વે પૂર્ણ કરીને તાત્કાલિક કામ શરૂ કરવા તેમજ ખીજડીયા-વિસાવદર રેલવે લાઇનનું બ્રોડગેજનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખીજડીયા-જૂનાગઢ અને ખીજડીયા-વેરાવળ રેલવે લાઇનનાં કામમાં વિલંબ કર્યા વિના આગળ વધારવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. વેરાવળ-હરિદ્વાર ટ્રેનને ચિતલ, લાઠી અને વડિયા ખાતે સ્ટોપ આપવા તથા અમરેલીના વેપારીઓ અને મુસાફરોને અમદાવાદ જવા-આવવા માટે અનુકૂળ સમયની સીધી ટ્રેન સેવા શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી હતી. ધારી-મહુવા વચ્ચે બંધ થયેલી મીટરગેજ રેલવે સેવા પુનઃ શરૂ કરવા પણ રજૂઆત કરાઈ હતી.
હાલની સુરત-અમદાવાદ ટ્રેનમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, દિવાળીના તહેવાર દરમિયાન વિશેષ ટ્રેનો જાહેર કરવા અને ઢસા-જેતલસર બ્રોડગેજનું કામ પૂર્ણ થયા બાદ સુરત તરફ સીધી ટ્રેન સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. અમરેલી રેલવે સ્ટેશનના વિકાસ માટે પ્લેટફોર્મ, બેસવાની બેન્ચ, રસ્તા, પીવાના પાણી, શૌચાલય, ર્પાકિંગ અને દિવ્યાંગો માટેની સુવિધાઓ વિકસાવવા રજૂઆતમાં ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત લાઠી રોડ ઓવરબ્રિજના ગૂંચવાયેલા કામનો ઝડપથી ઉકેલ લાવવા અને ઘોણા રેલવે ફાટકની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરાઈ હતી. ફાટક વારંવાર બંધ રહેતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલી પડે છે. ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના વેપારીઓ અને ઉદ્યોગકારોને માલસામાનની હેરફેર માટે લાંબા અંતરની માલગાડીની સુવિધા શરૂ કરવા, બ્રોડગેજનું કામ પૂર્ણ થયા બાદ ભાવનગર-ઓખા ટ્રેન સેવા ફરી શરૂ કરવા અને અમરેલીથી અમદાવાદની સીધી ટ્રેન શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.
હાલ અમરેલીથી અમદાવાદ જતી ટ્રેન બોટાદ અને સુરેન્દ્રનગર થઈને જતી હોવાથી મુસાફરીમાં સમય અને અંતર વધે છે. સીધી ટ્રેન શરૂ થાય તો મુસાફરોને રાહત મળી શકે છે. હવે રેલવે વિભાગ આ રજૂઆતો અંગે કેવાં પગલાં લે છે તેના પર સ્થાનિક લોકો અને રેલવે સુવિધા માટે કાર્યરત સંગઠનોની નજર રહેશે.