અમરેલીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પરિચિત યુવતીનો બળજબરીથી ફોટો પાડી તેને સ્ટોરીમાં વાયરલ કરી બદનામ કરવાની બાબતે ભારે વિવાદ સર્જાયો હતો. આ બાબતનું મનદુઃખ રાખી યુવતીના પરિવારજનો સહિત પાંચ શખ્સોએ રસ્તા વચ્ચે યુવકનું મોટરસાઇકલ રોકી તેના પર લાકડી, ધોકા અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. પ્રશાંતભાઇ મુકેશભાઇ જાદવ (ઉ.વ.૨૨)એ મુકેશભાઇ બારૈયા, સુરેશભાઇ ઉર્ફે શેમાભાઇ બારૈયા, સંજયભાઇ ઉર્ફે અદો બારૈયા, સોનલબેન બારૈયા તથા જયભાઇ સંજયભાઈ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે સુરેશભાઈ બારૈયાની દીકરી સાથેનો ફોટો પોતાના સોશિયલ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકી હતી. જે વાતનું મનદુઃખ રાખીને તેમને ડાબા ગાલ ઉપર નેણ ઉપર એક લાકડીનો ઘા મારતા તેમણે મોટર સાયકલ ઉભું રાખતા આરોપીઓએ શરીરે આડેધડ લાકડીના ઘા માર્યા હતા.તેમજ જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ માનસીબેન સુરેશભાઈ બારૈયા (ઉ.વ.૧૯)એ પ્રશાંત ઉર્ફે સતુ મુકેશભાઈ જાદવ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ યુવતી પોતાની માતાના મોબાઇલ ફોનમાં ઇન્સ્ટાગ્રામ ચલાવતી હતી. તે દરમિયાન આરોપી યુવકે પોતાના આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જોકે, આ વાતની જાણ યુવતીના પરિવારજનોને થઈ જતાં યુવતીએ તેની સાથે વાતચીત કરવાનું સદંતર બંધ કરી દીધું હતું. આ વાતથી રોષે ભરાયેલા યુવકે યુવતીનો સતત પીછો કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ યુવતી જ્યારે બહાર હતી ત્યારે યુવકે પીછો કરી તેને જય કોમ્પ્લેક્સમાં આવેલા ‘તવા તડકા’ ખાતે અટકાવી હતી અને તેની સાથે બળજબરીપૂર્વક ફોટો પડાવ્યો હતો. ત્યારબાદ આ ફોટો યુવકે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર વાયરલ કરી યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ વી મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.








































