ભરૂચ જિલ્લામાં ખુલ્લી ડ્રેનેજના કારણે ૨૪ કલાકમાં બીજી દુઃખદ ઘટના સામે આવી છે. આમોદ તાલુકાના મછાસરા ગામે રહેણાંક વિસ્તારમાં ખુલ્લી ડ્રેનેજમાં પડી જતાં બે વર્ષીય બાળકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, બે વર્ષીય વિહાન શૈલેષ રાઠોડ રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં આવેલી ડ્રેનેજમાં પડી ગયો હતો. ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું હોવાથી બાળક તેમાં પડી જતાં પરિવારજનો તેમજ સ્થાનિકોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી.
કલાકો સુધી શોધખોળ કર્યા બાદ બાળકનો મૃતદેહ ખુલ્લી ડ્રેનેજમાંથી મળી આવ્યો હતો. બાળકને બચાવવાના પ્રયાસરૂપે પરિવારજનો અને સ્થાનિકો તેને રિક્ષામાં હોસ્પિટલ તરફ લઈ ગયા હતા. ત્યારબાદ રસ્તામાં ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી બાળકને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ દુઃખદ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ રહેણાંક વિસ્તારમાં ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું હોવાને કારણે ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
ખુલ્લી ડ્રેનેજને કારણે આવી ઘટના બની હોવાના આક્ષેપો વચ્ચે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકના મોતનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.