ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્‌સમેન સ્ટીવ સ્મિથે ઇંગ્લેન્ડમાં ૨૦૨૭ એશિઝ શ્રેણીમાં તેની ભાગીદારી અંગે સસ્પેન્સ બનાવ્યું છે. તે કહે છે કે તે તેના ક્રિકેટ કારકિર્દી વિશે વધુ વિચારવાને બદલે એક સમયે દરેક શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. જા કે, તેનું સૌથી મોટું સ્વપ્ન ૨૦૨૮ લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ભાગ લેવાનું છે. હાલમાં, ૩૭ વર્ષીય સ્મિથ નેધરલેન્ડ્‌સ ટી ૨૦ લીગમાં એમ્સ્ટરડેમ ફ્લેમ્સ માટે રમે છે. ૧૨૫ ટેસ્ટ મેચમાં ૩૭ સદી ફટકારનાર સ્મિથ હાલમાં વિશ્વનો બીજા ક્રમાંકિત ટેસ્ટ બેટ્‌સમેન છે.
ધ ટેલિગ્રાફ સાથે વાત કરતા, સ્મિથે કહ્યું કે તે ૨૦૨૭ એશિઝ શ્રેણીમાં રમશે કે નહીં તે ચોક્કસ કહી શકતો નથી. તે હાલમાં ખૂબ આગળ વિચારવાને બદલે દરેક શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. સ્મિથે કહ્યું કે તેનું મુખ્ય ધ્યાન હાલમાં ૨૦૨૮ ઓલિમ્પિકમાં ભાગ લેવાનું છે. તેથી જ તે આ ફોર્મેટમાં સક્રિય રહેવા માટે શક્ય તેટલું વધુ ટી ૨૦ ક્રિકેટ રમવા માટે એમ્સ્ટરડેમ ટીમ સાથે કામ કરી રહ્યો છે.
સ્ટીવ સ્મિથે સ્પષ્ટપણે જણાવ્યું નથી કે તે ક્યારે નિવૃત્તિ લેશે, પરંતુ તે કહે છે કે ભવિષ્યમાં, તે મુખ્યત્વે ટી ૨૦ લીગમાં રમવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સ્મિથ માને છે કે તે થોડા સમય માટે ટી ૨૦ ક્રિકેટ રમી શકે છે. તેણે સ્વીકાર્યું કે છેલ્લા ૧૫ વર્ષ એક અદ્ભુત સફર રહ્યા છે અને તેણે રમતમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. તે હજુ પણ આ સફરનો આનંદ માણી રહ્યો છે, તેથી તેને નિવૃત્તિ લેવાની કોઈ ઉતાવળ નથી; તે યોગ્ય સમયની રાહ જાશે.
ઓસ્ટ્રેલિયન ટીમ ઓક્ટોબરમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે દક્ષિણ આફ્રિકા જશે. ૨૦૧૮ના બોલ ટેમ્પરિંગ વિવાદ પછી ઓસ્ટ્રેલિયાનો દક્ષિણ આફ્રિકાનો આ પહેલો ટેસ્ટ પ્રવાસ હશે. સ્મિથ કહે છે કે તે તેના માટે અન્ય કોઈપણ સામાન્ય શ્રેણી જેવો જ હશે. આ ઘટનાને ઘણો સમય થઈ ગયો છે, અને તે પહેલાથી જ ત્યાં વનડે રમવા માટે ગયો છે. સ્મિથના મતે, દક્ષિણ આફ્રિકા એક મહાન ટીમ છે, જેણે તેમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હરાવ્યા છે. તેમની પાસે મજબૂત ઝડપી બોલરો છે, તેથી આ મેચ ખૂબ જ રોમાંચક રહેશે.