આઇપીએલ ૨૦૨૬ ની ૫૬મી મેચમાં, ગુજરાત ટાઇટન્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે મુકાબલો થયો. સનરાઇઝર્સ હૈદરાબાદને શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ સિઝનમાં હૈદરાબાદનો પાંચમો પરાજય છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૬૮ રન બનાવ્યા. ગુજરાત તરફથી સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરે અડધી સદી ફટકારી. સુદર્શને ૬૧ રન જ્યારે સુંદરે ૫૦ રનનું યોગદાન આપ્યું. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈને ૨-૨ વિકેટ લીધી.

લક્ષ્યનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. અડધી ટીમ ૧૦ ઓવર પહેલા ૫૬ રનના સ્કોર સાથે પેવેલિયનમાં પાછી ફરી ગઈ હતી. આ પછી પણ વિકેટો પડતી રહી. ૮૨ રનના સ્કોર સુધીમાં ૯ બેટ્‌સમેન પેવેલિયનમાં પાછા ફર્યા હતા. છેલ્લી વિકેટ ૮૬ રનના સ્કોર પર પડતાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખૂબ જ શરમજનક રેકોર્ડ બનાવ્યો. આ આઇપીએલમાં એસઆરએચનો સૌથી ઓછો સ્કોર છે. ટીમનો અગાઉનો સૌથી ઓછો સ્કોર ૯૬ રન હતો, જે ૨૦૧૯માં મુંબઈ સામે બન્યો હતો.