અમદાવાદ શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત આગામી ચોમાસા દરમિયાન રસ્તાઓ પર ખાડા અને રોડ ડેમેજ જેવી સમસ્યાઓને ઝડપી રીતે દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોટમિક્સ પ્લાન્ટ અને સંબંધિત મટીરિયલની આગોતરી તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન તાત્કાલિક રોડ રિપેરિંગ કામગીરી કરી શકાય તે માટે એએમસી દ્વારા હોટમિક્સ મટીરિયલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે તેમજ કામગીરી માટેની મશીનરી પણ સજ્જ કરવામાં આવી છે.
ગત ચોમાસા દરમિયાન છસ્ઝ્રના હોટમિક્સ પ્લાન્ટ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મધ્ય ઝોનમાં ૫૩૪.૩૦ મેટ્રિક ટન, પૂર્વ ઝોનમાં ૪૦૪૧.૪૩ મેટ્રિક ટન, પશ્ચિમ ઝોનમાં ૯૩૩૧.૪૬ મેટ્રિક ટન, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૮૩૮૪.૩૩ મેટ્રિક ટન, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૩૬૭૧.૬૯ મેટ્રિક ટન, ઉત્તર ઝોનમાં ૯૮૩૧.૨૮ મેટ્રિક ટન તથા દક્ષિણ ઝોનમાં ૮૩૮૯.૦૪ મેટ્રિક ટન હોટમિક્સ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત બ્રિજ પ્રોજેક્ટ અંતર્ગત પણ ૧૫૧.૦૮ મેટ્રિક ટન મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ કુલ મળીને ગત ચોમાસા દરમિયાન ૪૪,૩૩૩.૭૧ મેટ્રિક ટન જેટલી કામગીરી કરવામાં આવી હોવાનું આંકડાઓમાં દર્શાવવામાં આવ્યું છે.
હાલમાં એએમસીના હોટમિક્સ પ્લાન્ટની ક્ષમતા ૧૮૦ ટી.પી.એચ. રાખવામાં આવી છે જ્યારે બિટુમિન ટેન્કની ક્ષમતા ૧૦૦ મેટ્રિક ટન સુધી ઉપલબ્ધ છે. ચોમાસા દરમિયાન તાત્કાલિક કામગીરી માટે પ્લાન્ટ ઉપર વિવિધ સાઈઝના એગ્રીગેટનો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. જેમાં ૨૦ મી.મી. એગ્રીગેટનો ૪૦૦૦ મેટ્રિક ટન, ૧૦ મી.મી. એગ્રીગેટનો ૩૦૦૦ મેટ્રિક ટન તથા ૬ મી.મી. એગ્રીગેટનો ૫૦૦૦ મેટ્રિક ટન જેટલો જથ્થો ઉપલબ્ધ છે. ઉપરાંત ડસ્ટ સ્ટોક ૫૦૦૦ મેટ્રિક ટન અને બિટુમિન સ્ટોક ૩.૭ મેટ્રિક ટન પણ સંગ્રહિત રાખવામાં આવ્યો છે.
એએમસી દ્વારા આગામી ચોમાસા દરમિયાન અંદાજે ૪૨,૦૦૦ મેટ્રિક ટન જેટલા હોટમિક્સ મટીરિયલ સપ્લાય કરવાનો આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક ઝોનમાં હોટમિક્સ મટિરિયલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય એ રીતે ટેન્ડર મંગાવી લેવામાં આવ્યા છે, તેમજ દરેક ઝોનમાં ઇન્ફ્રારેડ પદ્ધિતિ અને જેટપેચર પદ્ધિતિથી પેચવર્કની કામગીરી હાથધરી શકાય તે મુજબના ટેન્ડરો પણ મંજૂર કરી લેવામાં આવ્યા છે. આમ, ભારે વરસાદ દરમિયાન રોડ ઉપર ખાડા પડવાની અથવા રસ્તાઓને નુકસાન થવાની પરિસ્થિતિમાં તાત્કાલિક મરામત કામગીરી કરી શકાય તે માટે તમામ ઝોનમાં ટીમો, મશીનરી અને મટીરિયલ સ્ટોક તૈયાર રાખવામાં આવ્યા છે.
હોટમિક્સ પ્લાન્ટ એ એવી પ્રોસેસિંગ ફેક્ટરી છે, જ્યાં પથ્થર, રેતી, ફીલર અને બિટુમિનને ચોક્કસ તાપમાને ગરમ કરીને મિક્સ કરવામાં આવે છે, જેને આપણે “હોટ મિક્સ અસ્ફાલ્ટ” કહીએ છીએ. આ મિશ્રણનો ઉપયોગ રોડ બનાવવા અને રીપેર કરવા માટે થાય છે. જે ગુણવત્તાવાળું અને ટકાઉ માર્ગ બનાવવા માટે અત્યંત આવશ્યક છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા પીપળજ ખાતે અત્યાધુનિક હોટ મિક્સ પ્લાન્ટ જે કાર્યરત છે એ સંપૂર્ણપણે ઓટોમેટેડ છે. આ પ્લાન્ટમાં એક કંટ્રોલ કેબિન તૈયાર કરવામાં આવી છે, જ્યાં સંપૂર્ણ ડેટા એકવાર નાખ્યા બાદની તમામ પ્રોસેસ સંપૂર્ણ ઓટોમેટેડ થાય છે. આમ આ આખો પ્લાન્ટ બેચ મિક્સ ટાઈપ હોટ મિક્સ મટિરિયલનો છે, જે સંપૂર્ણપણે ઓટોમેટેડ છે અને તેમાં એસસીએડીએ સિસ્ટમ વિકસાવવામાં આવેલી છે








































