મહારાષ્ટ્રના નાગપુરમાં આરએસએસ મુખ્યાલય અને સ્મૃતિ મંદિર સામે રેડિયોએકટીવ હુમલાની ધમકીથી ખળભળાટ મચી ગયો છે. ‘કિરણોત્સર્ગી’ હુમલાની ધમકી આપતો એક અનામી પત્ર શહેરમાં ગભરાટ ફેલાવી રહ્યો છે. આ ધમકીભર્યો પત્ર નાગપુર પોલીસ કમિશનર ડા. રવિન્દ્ર કુમાર સિંઘલને મોકલવામાં આવ્યો હતો. તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહેલ મુખ્યાલય અને રેશીમબાગમાં સ્મૃતિ મંદિર સંકુલનો ઉલ્લેખ છે. પત્રમાં ડીએસએસ નામની કથિત સંસ્થાનો ઉલ્લેખ છે અને સંઘ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ અનામી પત્ર ૨૭ એપ્રિલે પોસ્ટ દ્વારા પોલીસ કમિશનરની ઓફિસમાં પહોંચ્યો હતો. અંગ્રેજીમાં લખેલા આ પત્રમાં ડીએસએસ નામની સંસ્થાનો ઉલ્લેખ છે. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે દોસરભવન ચોક પાસે એક ડિટોનેટર મૂકવામાં આવ્યો છે. તેમાં સિઝિયમ-૧૩૭” નામનો કિરણોત્સર્ગી પાવડર આરએસએસ મુખ્યાલય, રેશીમબાગ સ્મૃતિ મંદિર અને મેટ્રો સ્ટેશનમાં મૂકવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ છે.
પત્રમાં ઉલ્લેખિત સ્થળોમાં મુખ્યાલય, સ્મૃતિ મંદિર, ભાજપનું ગણેશપેઠ કાર્યાલય અને મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. જાકે એટીએસએ એનડીઆરએફ અને પરમાણુ નિષ્ણાતોની મદદથી આ વિસ્તારની તપાસ કરી હતી, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું નથી.
એટીએસની ફરિયાદના આધારે પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. તેઓ હવે તપાસ કરી રહ્યા છે કે આ પત્ર કોણે અને શા માટે લખ્યો છે. થોડા દિવસો પહેલા, ડો. ઉજ્જવલ લાંજેવારના ઘરની સામે એક ખાલી જગ્યામાંથી ડેટોનેટર અને જિલેટીન સ્ટીક મળી આવ્યા હતા. પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે આ વિસ્ફોટકો લગાવ્યા હતા અને આ ફક્ત એક ચેતવણી હતી; ખરો ખેલ હવે શરૂ થશે.









































