અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ આસપાસ આવેલી હાઈરાઈઝ બિલ્ડીંગોને લઈને મહત્વપૂર્ણ કાનૂની વિકાસ સામે આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટએ એરપોર્ટ ઓથોરિટી અને અન્ય સત્તાધિકારીઓને આ વિસ્તારોમાં આવેલી ઇમારતોનો એરોનોટિકલ સર્વે કરવા નિર્દેશ આપ્યા છે.
આ કેસ ત્યારે સામે આવ્યો હતો જ્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ૧૦૨.૭ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતોને ડિમોલિશન નોટિસ આપવામાં આવી હતી. હંસપુરા, નરોડા અને નાના ચિલોડા સહિતના વિસ્તારોમાં આવેલી આ ઇમારતોના ડેવલપર્સે આ નોટિસોને હાઇકોર્ટમાં પડકાર્યા હતા.
મહિલ ઇન્ફ્રા, અબજીબાપા ઇન્ફ્રા, પ્રેયસ ઇન્ફ્રા, બાલાજી ડેવલપર્સ, કલશ ઇન્ફ્રા અને પાર્થ ડેવલપર્સે દલીલ કરી હતી કે તેમણે તમામ જરૂરી મેળવીને જ બાંધકામ કર્યું છે. તેમના અનુસાર, ઊંચાઈમાં જે તફાવત દેખાય છે તે જમીનની એલિવેશનના કારણે છે, અને ગેરકાયદેસર બાંધકામ નથી.
અરજદારો તરફથી વકીલ મેગા જાની એ કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સિવિલ એવિએશન મંત્રાલયના ૨૦૧૫ના નિયમો અનુસાર આવા કેસમાં એરોનોટિકલ સ્ટડી ફરજિયાત છે. તેથી કોઈપણ પ્રકારની તોડફોડ પહેલાં વૈજ્ઞાનિક આધારિત સર્વે થવો જરૂરી છે.
બીજી તરફ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફ થી એડવોકેટ ભદ્રેશ રાજુ એ દલીલ કરી હતી કે બિલ્ડરોએ મૂળ એનઓસીનો ભંગ કર્યો છે. સત્તાધિકારીઓએ જણાવ્યું હતું કે પહેલા વધારાનું બાંધકામ દૂર કરવામાં આવે, ત્યારબાદ જ કોઈ સર્વે અથવા નવી મંજૂરી પર વિચાર કરી શકાય.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે નોંધ્યું હતું કે સર્વે પહેલાં જ તોડફોડ કરવાનો આગ્રહ તર્કહીન અને અયોગ્ય છે. ખાસ કરીને જ્યારે નજીકના અન્ય પ્રોજેક્ટ્સને સુધારેલી ઊંચાઈ માટે મંજૂરી આપવામાં આવી છે, ત્યારે આવા કેસમાં સર્વે વગર કાર્યવાહી યોગ્ય નથી.કોર્ટના આદેશ અનુસાર હવે સંબંધિત સત્તાધિકારીઓએ એરોનોટિકલ સર્વે હાથ ધરવો પડશે, અને તેનો ખર્ચ ડેવલપર્સ દ્વારા ભરવામાં આવશે. સાથે જ કોર્ટએ હાલની ડિમોલિશન નોટિસો રદ કરી છે.
તેમ છતાં, કોર્ટએ સ્પષ્ટતા કરી છે કે સર્વે પૂર્ણ થયા બાદ જા કોઈ ઇમારત નિયમોનું ઉલ્લંઘન કરતી જણાશે અથવા વિમાનોની અવરજવર માટે જાખમરૂપ સાબિત થશે, તો સત્તાધિકારીઓને તે બાંધકામ દૂર કરવાનો અધિકાર રહેશે.આ નિર્ણય સાથે હવે અમદાવાદમાં એરપોર્ટ નજીકના હાઈરાઈઝ બાંધકામોને લઈને પહેલા સર્વે પછી નિર્ણયનો સિદ્ધાંત અમલમાં આવશે, જે ભવિષ્યના કેસોમાં પણ માર્ગદર્શક બની શકે છે.











































