સાવરકુંડલા તાલુકાના પીપરડી ગામે પિતા અને પુત્રના સંબંધોમાં ઝેર ઘોળતા એક શખ્સ સામે અવાજ ઉઠાવવો પિતાને ભારે પડ્યો હતું. પુત્રને ખરાબ સંગતમાંથી છોડાવવા માટે ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સે ફરિયાદી પર લોખંડના ધારીયા વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે વિનુભાઇ બચુભાઇ વાઘેલાએ દિનેશભાઇ મથુરભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ મૂળ પીપરડી ગામના વતની છે અને સુરતથી આજે પરત ઘરે આવ્યા હતા. ઘરે આવીને જોયું તો તેમનો પુત્ર મનોજભાઈ હાજર નહોતો. મનોજભાઈ પડોશમાં રહેતા આરોપી સાથે ખરાબ સંગતમાં હોવાથી તેમણે આ બાબતે અગાઉ પણ ચિંતા વ્યક્ત કરી હતી. બપોરના દોઢ વાગ્યાના અરસામાં જ્યારે આરોપી તેના ઘરે આવ્યો, ત્યારે તેમણે તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, મારા દીકરાને તારી સાથે રાખીને બગાડ નહીં અને આજ પછી મારા ઘરે આવતો નહીં. આ સાંભળીને આરોપી એકાએક ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ ઉશ્કેરાટમાં આવીને સૌપ્રથમ તેને ગાળો ભાંડી હતી અને જમણા પડખાના ભાગે કોણી મારી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તે પોતાના ઘરેથી લોખંડનું ધારદાર ધારીયું લઈ આવ્યો હતો. તેઓ જીવ બચાવવા ભાગ્યા ત્યારે આરોપીએ આજે તો તને પતાવી દેવો છે તેવી મારી નાખવાની ધમકી આપી હતી.






































