આટલો મોટો દારૂનો જથ્થો નાના વિસાવદર ગામે કેમ પહોંચ્યો? સ્થાનિક ‘ખાખી’ની કામગીરી પર સવાલ
ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામ નજીક ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોડી રાત્રે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાસ ઓપરેશનમાં ટીમે વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રૂ. ૧.૦૪ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. મળતી માહિતી મુજબ, બુટલેગરો દ્વારા ટ્રક અને અન્ય વાહનો મારફતે વિદેશી દારૂનું કટિંગ કરી રાત્રે વિતરણ શરૂ થવા જતું હતું, તે પહેલાં જ SMCની ટીમે અચાનક દરોડો પાડી કામગીરી કરી હતી. દરોડા દરમ્યાન નાસભાગ મચી ગઈ હતી. સ્થળ પરથી કુલ ૧૨,૭૨૬ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૫૯,૬૪,૩૯૦ જેટલી થાય છે. સાથે જ મહિન્દ્રા પીકઅપ (GJ32T2199, GJ10TV9512), ટ્રક (GJ03BZ0181) અને એક બાઇક સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આ કાર્યવાહીમાં ગારીયાધારના તનવીર નસીરહુસેનને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે મુસીમ તેલી, સોહેલ સૈયદ સહિત કુલ ૧૬ આરોપીઓ ફરાર થવામાં સફળ થયા છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. સમગ્ર મુદ્દામાલ રકમ રૂ. ૧,૦૪,૬૯,૩૯૦ જેટલો ખાંભા પોલીસ સ્ટેશનમાં સોપાયો હોવાનું સૂત્રો જણાવે છે. ૩૧ ડિસેમ્બર નજીક આવતાં સૌરાષ્ટ્રમાં બુટલેગરો દારૂની હેરાફેરીમાં સક્રિય બન્યા છે, ત્યારે આ મોટો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે. હાલ તો આ દારૂ કોને-કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસની બેદરકારી સાબિત થશે તો કડક કામગીરી કરાશે:એસ.પી.
ખાંભા પોલીસની હદમાં આવેલા નાના વિસાવદર ગામેથી ૧ર,૭ર૬ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા જિલ્લાની પોલીસ પણ હચમચી ઉઠી છે. ખાંભા પોલીસને ઉંઘતી રાખી એસએમસીએ આ દરોડો પાડ્યો હતો. આ અંગે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ભરૂચ, આણંદ, ભાવનગર થઈ અમરેલી જિલ્લામાં ઘુસ્યો હતો. આ ઘટનામાં પોલીસની કોઈ ભૂમિકા અને બેદરકારી સામે આવશે તો કડક કાર્યવાહી કરવાના જિલ્લા પોલીસ વડાએ નિર્દેશ આપ્યા છે. ટૂંક સમયમાં આ ઘટનાનો રિપોર્ટ સોંપવામાં આવશે. હાલ તો ખાંભા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે.










































