રાત-દિવસ બંધ રહેતા ફાટક નં. ૯૫ના કારણે ૫૦થી વધુ ખેડૂતોના જીવન અને ખેતી પર સંકટ
સવારના ૮ થી સાંજના ૮ સુધી માત્ર એક જ ફાટકમેન હાજર હોય, જે રાત્રે લોક કરી ચાલ્યો જાય છે

સાવરકુંડલા તાલુકાના છેવાડે આવેલા ઘાંડલા ગામે રેલવે ફાટક નંબર ૯૫ ખેડૂતો માટે મોટી સમસ્યા બની ગયું છે. આ ફાટક સામાન્ય રીતે રાતના ૮ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી સંપૂર્ણ બંધ રહે છે. દિવસ દરમિયાન પણ કોઈ વાહન વ્યવહાર ન હોય તો ફાટક બંધ રાખવામાં આવે છે, જેના કારણે લોકોને પગપાળા રેલવે પાટા ઓળંગવાની ફરજ પડે છે. ફાટકના સામે કાંઠે ૫૦થી વધુ ખેડૂતોની ખેતી જમીન આવેલી છે, જ્યાં ભાગીયા પરિવાર સાથે રહે છે. રાત્રે અચાનક દવાખાને જવાની જરૂર પડે તો ખેડૂતો ગંભીર મુશ્કેલીમાં ફસાઈ જાય છે. તાજેતરમાં ડીલીવરી નજીક હોવા છતાં ફાટક ન ખૂલતા એક ભાગીયા પરિવારને ખેતી છોડી અન્યત્ર જવું પડ્‌યું છે. સવારના ૮ થી સાંજના ૮ સુધી માત્ર એક જ ફાટકમેન હાજર હોય છે, જે રાત્રે લોક કરી ચાલ્યો જાય છે. ગ્રામ પંચાયત અને આગેવાનોએ રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. હવે ખેડૂતો રેલવે તંત્ર સામે કડક પગલાંની ચીમકી આપી રહ્યા છે.

-: ખેડૂતોની માંગ :-
દિવસ-રાત જરૂર પડે ત્યારે બંધ રહેલું ફાટક ખોલવામાં આવે અને ર૪ કલાક ફાટકમેનની વ્યવસ્થા પણ કરવામાં આવે. જા આ બાબતે તાત્કાલિક કાયમી ઉકેલ ન આવે તો આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. રેલવે અને સ્થાનિક નેતાઓ દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે.