અમરેલી જિલ્લા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં થયેલા માવઠા અને વરસાદને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનની મુશ્કેલ પરિસ્થિતિમાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલા રૂ.૧૦,૦૦૦ કરોડ રૂપિયાના વિશાળ સહાય પેકેજને લાઠી–બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ આવકાર્યો છે. તળાવીયાએ જણાવ્યું કે, “રાજ્યના અન્નદાતા ખેડૂતો માટે મુખ્યમંત્રીએ ઝડપભેર લીધેલો આ નિર્ણય ખરેખર પ્રશંસનીય છે. છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી સહિતના વિસ્તારોમાં થયેલા નુકસાન સામે સરકાર દ્વારા તાત્કાલિક મદદરૂપ થવું એ ખેડૂતો માટે આશાનું કિરણ છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પેકેજના અમલથી ખેડૂતોને સીધી નાણાકીય સહાય મળશે. અમરેલી જિલ્લો કૃષિ આધારિત હોવાથી આ પેકેજથી ખેડૂતોને તાત્કાલિક રાહત મળશે અને તેમની આર્થિક સ્થિતિ સુધરશે. જનકભાઈ તળાવીયાએ ખાતરી આપી હતી કે, લાઠી અને બાબરા તાલુકાના ગામડાંઓમાં ખેડૂતોએ જે રીતે નુકસાન સહન કર્યું છે, ત્યાં સુધી આ સહાય પહોંચે તે માટે તેઓ સતત સરકાર સાથે સંકલન કરીને કામ કરશે.








































