આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં શનિવારે એક દુઃખદ ઘટના બની. દેવુત્થાન એકાદશી નિમિત્તે ભક્તોની ભીડને કારણે નાસભાગ મચી ગઈ. કાશીબુગ્ગાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડમાં નવ લોકોના મોત થયાના એક દિવસ પછી, પોલીસે રવિવારે મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્્યો હતો. શનિવારે બનેલી આ ઘટનામાં આઠ મહિલાઓ અને એક બાળકનું મોત થયું હતું, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘણા ભક્તોને હાડકાં તૂટવા અને શ્વાસ લેવામાં તકલીફ સાથે હોસ્પિટલલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંદિરનો એકમાત્ર પ્રવેશદ્વાર બંધ હતો, અને દર્શન માટે પહેલા પ્રવેશવા દેનારા ભક્તો તૂટેલી ગ્રીલને કારણે સીડી નીચે રાહ જાઈ રહેલા લોકો પર પડી ગયા હતા, જેના કારણે આ ભયાનક અકસ્માત થયો હતો. શ્રીકાકુલમ જિલ્લા પોલીસ અધિક્ષક કે.વી. મહેશ્વર રેડ્ડીએ જણાવ્યું હતું કે, “આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને અમે મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.” તેમણે ઉમેર્યું હતું કે પોસ્ટમોર્ટમ પછી નવ મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા છે. બે ગંભીર રીતે ઘાયલ લોકોની સ્થિતિ હવે સ્થિર છે, અને બાકીનાને હોસ્પિટલલમાંથી રજા આપવામાં આવી છે. પોલીસ અધિક્ષક (એસપી) કે.વી. મહેશ્વર રેડ્ડીએ જણાવ્યું હતું કે મંદિરના આયોજકોએ કાર્યક્રમ પહેલા ફરજિયાત પરવાનગી મેળવી ન હતી કે પોલીસ સુરક્ષા માટે અરજી કરી ન હતી. તેમણે કહ્યું, “મંદિરો અથવા ધાર્મિક સંસ્થાઓમાં ભીડ વ્યવસ્થાપન માટે, ભક્તોની સંખ્યા ગમે તે હોય, અગાઉથી પોલીસને જાણ કરવી ફરજિયાત છે.” રેડ્ડીના જણાવ્યા મુજબ, શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર એક ખાનગી મંદિર છે અને યોગ્ય મંજૂરી વિના તેનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું કે સંચાલકો સલામતીના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા, જેના કારણે અકસ્માત થયો. દરમિયાન, પોલીસે આ મામલે બીએનએસની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.










































