વૈશ્વિક મંદીની આશંકા, ભારતની ખાધ વધવાની આશંકા અને ભારતીય શેરમાર્કેટના ઘટાડાની સીધી અસર દેશની કરન્સી પર જોવા મળી રહી છે. ભારતીય રૂપિયો ડોલરની સામે ૧૧ જુલાઈના સત્રમાં નવા ઐતિહાસિક તળિયે ૭૯.૪૩ પર પહોંચ્યો છે.
ડોલરની મજબૂતી અને ઘરેલું શેરબજારમાં આજે મંદીના કારણે ભારતીય રૂપિયો યુએસ ડોલરની સામે સોમવારના સત્રમાં ૧ વાગ્યે શુક્રવારના બંધ ભાવ ૭૯.૨૫ની સરખામણીએ ૭૯.૪૩ પર ટ્રેડ થઈ રહ્યો છે. ગત સપ્તાહે રૂપિયો ડોલરની સામે ૭૯.૩૭૫૦ના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો અને આજે આ રૂપિયાએ નવું તળિયું બનાવ્યું છે.
વિશ્વની છ દિગ્ગજ કરન્સીની સામે યુએસ ડોલરનું મૂલ્ય દર્શાવતું ડોલર ઈન્ડેકસ ૦.૩૧ ટકા વધીને ૧૦૭.૩૪ પર કામકાજ કરી રહ્યો છે. ગત સપ્તાહે ૧૦૦ ડોલરની નીચે સર્કયા બાદ આજે ફરી બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૦.૬૩ ટકા ઘટીને ૧૦૬.૩૫ ડોલર પ્રતિ બેરલ થયું હતું. બંને ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી દરેક ૦.૫ ટકા નીચે હતા. યુએસમાં ડોલરની સતત વૃદ્ધિ અને વ્યાજદરમાં વધારાની આશાંકા વચ્ચે વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી બજારમાંથી આ મહિને અત્યાર સુધીમાં રૂ. ૪૦૦૦ કરોડથી વધુનું રોકાણ પાછું ખેંચ્યું છે.