મોરબીના પીપળી ગામથી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા ચાર યુવકો નદીના ઊંડા પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુ દરમિયાન બે યુવકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે બે યુવકો પાણીમાં તણાઈ ગયા હતા. તેમાંથી એક યુવકનો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે ગણેશ વિસર્જન દરમિયાન અચાનક ચાર યુવકો મચ્છુ નદીના ઊંડા પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતા. આસપાસ હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. મોરબી ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. પાણીમાં ફસાયેલા આકાશ માલિયા અને આકાશ ગજાનંદભાઈને ફાયર બ્રિગેડના જવાનોએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. પાણીના ઊંડા વહેણમાં તણાઈ ગયેલા સોહન કુલડીયા અને વિલાસ સુભાષભાઈ ગાયકવાડની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.સર્ચ ઓપરેશન દરમિયાન વિલાસ સુભાષભાઈ ગાયકવાડનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઉંમર ૩૪ વર્ષ હતી અને તેઓ નવી પીપળી ખાતે રહેતા હતા.
મોરબી પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે સોહન કુલડીયાની શોધખોળ માટે ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું.
મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, ગઈકાલે સાંજે આશરે ૭ઃ૩૦ વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને જુના સાદુળકા પાસે મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન ચાર લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી.