અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા હવે તેની અસર ઘાસચારા પર પણ જાવા મળી રહી છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઘાસચારાની અછત સર્જાતા શહેર વિસ્તારોમાં પણ તેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઘાસચારાના ભાવમાં અંદાજે ૩૦થી ૪૦ ટકાનો વધારો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ખાસ કરીને રજકો, લીલી જુવાર, સૂકી જુવાર, લીલી મકાઈ અને સૂકી મકાઈની માંગમાં વધારો થયો છે.
અમરેલી શહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા રાહુલ પરમારના જણાવ્યા મુજબ, તેઓ રજકા ઉપરાંત લીલી જુવાર, સૂકી જુવાર, લીલી મકાઈ, સૂકી મકાઈ તેમજ નેપિયર ઘાસનું વેચાણ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ઘાસચારાની ઉપલબ્ધતા ઘટી રહી છે. વરસાદ સમયસર અને પૂરતો ન પડવાને કારણે ખેતરોમાં લીલો ઘાસચારો તૈયાર થવામાં પણ અસર પડી છે. જેના કારણે પશુપાલકોને બહારથી ઘાસચારો ખરીદવાની ફરજ પડી રહી છે.
ઘાસચારાની માંગ વધવાની સાથે તેની કિંમતોમાં પણ વધારો જાવા મળી રહ્યો છે. હાલમાં રજકો તેમજ લીલી અને સૂકી જુવારના ભાવ અંદાજે ૩૦૦થી ૪૦૦ સુધી બોલાઈ રહ્યા છે. સ્થાનિક બજારમાં ભાવમાં સતત વધારો થતાં પશુપાલકોના ખર્ચમાં પણ વધારો થયો છે.વેપારીના જણાવ્યા પ્રમાણે, અગાઉની સરખામણીએ ભાવ વધતા હવે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો પણ જાવા મળી રહ્યો છે. પશુપાલકો માટે પશુઓને પૂરતો ઘાસચારો પૂરો પાડવો જરૂરી હોવાથી ભાવ વધ્યા હોવા છતાં ઘાસચારો ખરીદવો પડે છે. ખાસ કરીને ગાય-ભેંસ જેવા દૂધાળા પશુઓ ધરાવતા પશુપાલકો માટે લીલો અને સૂકો બંને પ્રકારનો ઘાસચારો જરૂરી બને છે.હાલમાં રજકો, લીલી જુવાર, સૂકી જુવાર અને લીલી મકાઈની માંગ વધુ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. વરસાદની અછત લાંબી ચાલે તો આગામી દિવસોમાં ઘાસચારાની ઉપલબ્ધતા અને ભાવ પર વધુ અસર થવાની શક્્યતા સ્થાનિક વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેંચાતા માત્ર ખેતી જ નહીં પરંતુ પશુપાલન વ્યવસાય પર પણ તેની અસર જાવા મળી રહી છે. ખેડૂતો અને પશુપાલકો માટે ઘાસચારો પશુધનના નિભાવનો મહત્વનો આધાર છે. ઘાસચારાના ભાવમાં વધારો થતાં પશુપાલકોના દૈનિક ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે.આમ, એક તરફ વરસાદની રાહ જાતા ખેડૂતો અને પશુપાલકો છે, તો બીજી તરફ બજારમાં ઘાસચારાના વધતા ભાવે તેમની ચિંતા વધારી છે. આગામી દિવસોમાં વરસાદ થાય અને ખેતરોમાં લીલો ઘાસચારો ઉપલબ્ધ બને તો બજારમાં આવક વધવાની સાથે ભાવમાં રાહત મળે તેવી પશુપાલકોને આશા છે.








































