ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં બે જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના બે અલગ-અલગ છેડાઓ પશ્ચિમમાં કચ્છ અને પૂર્વમાં દાહોદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાકે, રાહતની વાત એ છે કે આ બંને આંચકાઓમાં અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
કચ્છ જિલ્લો ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાય છે. આજે બપોરે ૧.૪૩ કલાકે ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ધ્રુજારી અનુભવાઈ હતી. રિક્ટર સ્કેલ પર ૩.૪ની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપનું એપીસેન્ટર ભચાઉથી અંદાજે ૧૨ કિમી દૂર નોંધાયું હતું. બપોરના સમયે આંચકો આવતા લોકો ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. કચ્છમાં અવારનવાર આવતા આફ્ટરશોક્સને કારણે સ્થાનિકોમાં સતત ભયનો માહોલ રહે છે.
કચ્છ બાદ પૂર્વ ગુજરાતના દાહોદ જિલ્લામાં પણ હળવો ભૂકંપ નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, આજે ૦૫ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ૧૧.૫૫ વાગ્યે આ આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ૨.૫ મેગ્નટ્યુડની તીવ્રતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ દાહોદથી આશરે ૩૪ કિ.મી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ (ઉજીઉ) દિશામાં હતું. જમીનથી અંદાજે ૧૭.૭ કિમીની ઊંડાઈએ આ હલચલ થઈ હતી.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ના ડેટા મુજબ, ગુજરાતમાં ફોલ્ટ લાઈનો સક્રિય હોવાને કારણે આ પ્રકારના હળવા આંચકા આવતા રહે છે. ભચાઉમાં આવેલો ૩.૪ની તીવ્રતાનો આંચકો સામાન્ય કરતાં થોડો વધુ હોવાથી તે સ્પષ્ટપણે અનુભવાયો હતો, જ્યારે દાહોદમાં ઓછી તીવ્રતાને કારણે ઘણા લોકોએ તે અનુભવ્યો નહોતો.








































