આકાશમાં ઘણા બધા ટમટમતા તારલા રહે. આ તારલા દિવસે સૂઈ જાય અને રાત પડે એટલે આખા આકાશમાં દીવા પ્રગટાવીને જાગી જાય. આ તારલાઓમાં એક નાનકડો તારલો હતો, જેનું નામ હતું – ‘ટમટમ’.
ટમટમ બહુ જ તોફાની હતો. એને આકાશમાં એક જગ્યાએ બેસી રહેવું ગમે જ નહીં. એ તો આખા આકાશમાં આમ-તેમ દોડ્યા કરે.
એક રાત્રે ટમટમની નજર નીચે પૃથ્વી પર પડી. ત્યાં એક નાનું બાળક બારીમાં બેસીને આકાશ સામે જોઈ રહ્યું હતું. ટમટમને વિચાર આવ્યો, ‘ચાલને, આ બાળક સાથે કાંઈક મજાક કરું!’
ટમટમ તો આકાશમાંથી સરરરર… કરતો નીચે ઉતર્યો. એ પેલા બાળકના નાક પર જઈને બેસી ગયો અને એના નાક પર ‘ટમટમ’ ટમટમ’ કરતો ચમકવા લાગ્યો. બાળકને નાક પર ગલીપચી થઈ! એણે જોરથી છીંક ખાધી – ‘અચ્છૂંઉં…!’ છીંકના ધક્કાથી ટમટમ તારલો ઉછળીને સીધો જઈને ચાંદામામાના ખોળામાં પડ્યો!
ચાંદામામા તો ગોળ-મટોળ ગાલ હલાવીને હસવા લાગ્યા. એમણે કહ્યું, ‘અરે ટમટમ, તું આ શું કરે છે? જો બધા તારલાઓ તારી જેમ નીચે જશે તો આકાશમાં અંધારું થઈ જશે!’ ટમટમ કહે, ‘મામા, મને તો રમત રમવી છે. જુઓ પેલા વાદળાં કેવા રૂ જેવા પોચા-પોચા છે!’
ટમટમ દોડીને એક મોટા સફેદ વાદળમાં સંતાઈ ગયો. બીજા તારલાઓએ જોયું તો એમને પણ મજા પડી ગઈ. બધા તારલાઓ વાદળ પાછળ સંતાવા લાગ્યા. આકાશમાં તો ‘સંતાકૂકડી’ની રમત શરૂ થઈ ગઈ! ક્યારેક તારલા દેખાય, તો ક્યારેક વાદળ પાછળ છુપાઈ જાય.
રમતા-રમતા ખબર જ ન પડી અને પૂર્વ દિશામાંથી સૂરજદાદાએ ડોકિયું કર્યું. સૂરજદાદાને આવતા જોઈને બધા તારલા ગભરાઈ ગયા. ટમટમ બોલ્યો, ‘ચલો ભાઈઓ, જલ્દી સંતાઈ જાઓ, નહિતર સૂરજદાદા આપણને પકડી લેશે!’ બધા તારલાઓ પોતપોતાની પથારીમાં જઈને સૂઈ ગયા. ટમટમ પણ દોડતો ગયો ને ચૂપચાપ સંતાઈ ગયો ને પછી સૂઈ ગયો અને ફરી પાછા સૂરજદાદા સૂઈ જાય એની રાહ જોવા લાગ્યો.
mo.૯૦૯૯૧૭૨૧૭૭






































