એક લાંબી અવસ્થા પછી અને એમાંય જ્યારે વૈશાખી બપોરથીય અધિક એવો ઢળતી સંધ્યાનો છેલ્લો તાપ લાગવાની શરૂઆત થાય ત્યારે મા લગભગ એકલી પડી જતી હોય છે. દીકરી હોય તો તે સમયસર સાસરે જતી રહી હોય છે. દીકરી સાસરે જાય એનો માતાને આઘાત એટલા માટે જ નથી હોતો કે તે પણ વર્ષો પહેલા તે જ રીતે પિતાના ઘરેથી પોતાના ઘરે એટલે કે સાસરે આવેલી છે. દીકરો પણ એક દિવસ દૂર જતો રહેશે એની ક્યાંય સુધી માતાને તો કલ્પના જ હોતી નથી. તે સતત પોતાના મનને એવી જ દિશામાં એવી જ રીતે ચલાવે છે જાણે કે જિંદગીની અંત વેળા સુધી એનો પુત્ર એની સાથે જ રહેવાનો ન હોય !

સાથે રહી શકે એ તો ધન્યતાનો અવસર છે. કેટલાક કિસ્સાઓમાં એમ બનતું નથી. વાત કંઈ આકસ્મિક કે ગંભીર નથી, સાવ સ્વાભાવિક છે કે સંતાનો મોટા થાય એટલે એને માતાપિતાથી વિખૂટા પડવાના કારણો તરીકે હજારો વિકલ્પ હોય એમાંથી એકાદનો છેડો અડે એટલે દૂર દૂર ફંગોળાઈ જવાય. અનુઆધુનિક યુગનો એ એક ઉપકાર છે કે લાગણીની બૌદ્ધિક ચોખ્ખાઈ હવે સપાટી પર આવી શકે છે. એટલે સંતાનો સ્પષ્ટ રીતે માતા-પિતાને કહી શકે છે કે તમારું અમારી સાથે રહેવું અમને આટઆટલા કારણોસર પ્રતિકૂળ છે. માતા-પિતા પણ એ સમજે છે કે માત્ર લાગણીના તરાપાથી તરીને હવે આગળ વધી શકાય એમ નથી.

એટલે ચોક્કસ જગ્યાએ એમણે અટકી જવું પડે છે. એમાં એક બીજી વાત પણ છે કે જે દંપતીઓ સ્વતંત્ર રીતે રહેવા ટેવાયેલા છે, એમને ક્યારેક દીકરા-વહુના હાથમાં જિંદગીનું નેવિગેશન આવે એ અનુકૂળ ન પણ આવે. તેઓ જ્યાં સુધી દેહે કરીને પરાધીન ન થાય ત્યાં સુધી સ્વતંત્ર રીતે પોતાનું યુગલજીવન જીવવા ચાહે છે. ખરેખર આ બહુ જ સારી બાબત ગણાવી જોઈએ. પરંતુ આપણો સમાજ હજુ… જોયું ? આમ છે ને તેમ છે….અરે આમ હતું પરંતુ, આનું તેમ થયું અને તેનું આમ થયું એમ વારતા ચલાવ્યા કરે છે. સંતાનો સાથે રહેવા મળે કે ન મળે પણ જાતે જિદ કરીને સંતાનોના સંઘર્ષ સમયે એમની પડખે રહે તે માતાપિતા છે. આ દુનિયામાં એવા પણ દંપતીઓ છે કે દાયકાઓ સુધી પોતે માલિકીના મકાનમાં રહેતા હોય અને પુત્ર-પૌત્રાદિક લગભગ જિંદગીભર ભાડું ભરીને પારકા છત્રતળે વસતા હોય.

બીજી એક વાત એ છે કે માત્ર રેમન્ડ કંપનીના માલિકે પોતાની સર્વ સંપત્તિ પુત્રને નામે કરીને અફસોસ વ્યક્ત કર્યો નથી. ગુજરાતની તમામ જિલ્લા કક્ષાની અદાલતોમાં વયોવૃદ્ધ દંપતીઓ પોતાના સંતાનોને લખી આપેલી મિલકતો પાછી લેવા માટે ધક્કા ખાતા જોવા મળે છે. આ સંખ્યા પણ નાનીસૂની નથી. માત્ર આપણા સંતાનો હોવાને કારણે તેઓને આપણા અપમાનનો કોઈ વિશેષાધિકાર મળી જતો નથી અને માતાપિતા હોવાથી બધી જ જવાબદારીના પહાડો તેઓના ખભે મૂકી દેવા પણ યોગ્ય નથી. દીકરાના લગ્ન થાય એટલે પારસ્પરિક સંબંધ અને સન્માનની થોડી ડિઝાઈન તો બદલાવવાની છે. એ બદલા પછી પણ ઘરની મૂળભુત સંયુક્ત સંવેદના અને રોજબરોજનો પારિવારિક સહચાર જો બહુ ન બદલાય તો મઝાની વાત છે. પણ સહુ માટે આ મઝા સાવ સુગમ તો નથી.

માણસજાતે સદીઓ સુધી યુદ્ધ કર્યા છે આપણે પહેલીવાર એવા સમયમાં છીએ જ્યાં હવે યુદ્ધ શરૂ કરતા પહેલા વારંવાર વિચાર કરવામાં આવે છે. યુદ્ધ કરવાની તૈયારી બધા પાસે છે પરંતુ શક્ય ત્યાં સુધી યુદ્ધને પાછું ઠેલવામાં આવે છે. યુદ્ધને ટાળવા માટેનું બુદ્ધિધન પૃથ્વી પર અત્યારે છે એટલું પૂર્વે કદી પણ ન હતું. મહારાજ યુધિષ્ઠિર જુગાર રમ્યા અને હાર્યા. પછી ફલતઃ તેમણે બાર વરસનો વનવાસ અને એક વરસનો ગુપ્તવાસ સ્વીકારવાનો આવ્યો. આ જે તેર વરસ છે એ ખરેખર તો યુધિષ્ઠિરે જુગટુ રમીને પાછા ઠેલેલા યુદ્ધમાં હણાઈ જવા સંભવ સર્વ યોદ્ધાઓ અને સેનાપતિઓને સામે ચાલીને દક્ષિણામાં આપેલું વધારાનું આયુષ્ય છે.

યુધિષ્ઠિરને એમ હતું કે આ તેર વરસ દરમિયાન યુદ્ધ ન કરવું પડે એવો ઉપાય મળી આવશે. છતાં જ્યારે યુદ્ધ ગોઠવાયું ત્યારે એના પ્રારંભ પૂર્વે યુધિષ્ઠિરે સ્વપક્ષ અને પ્રતિપક્ષના સર્વ યોદ્ધાઓની માતાઓની તેમના વીર સંતાનો બદલ અભિવંદના કરી અને આગોતરી ક્ષમાપ્રાર્થના પણ કરી. એક માતાથી તેના પુત્રને વિખૂટો પાડી માતાને પુત્રવિયોગની ચિરંતન વ્યથામાં ઊંડે ઉતારવાની યાતના યુધિષ્ઠિરે અનુભવી હતી. યુધિષ્ઠિરની રાજનીતિ બહુ પ્રચલિત નથી અને એના મહત્ સત્કર્મોનો યશકુંભ કૃષ્ણચરિત્રે આંચકી લીધો હોવા છતાંય એક મહાન રાજા તરીકેના તેજ અને ઓજ તેમના આભામંડળમાં સદાય દર્શનીય છે જે મહાભારતમાં સર્વવ્યાપક રીતે દેખાય છે.

સંતાનો હયાત હોય ત્યારે કે હયાત ન હોય ત્યારે એકલી પડી જતી માતા આ જગતની કરૂણામૂર્તિ હોવા છતાં કરૂણમૂર્તિ બની જાય છે. એકલી પડી જતી મા પાસે પ્રશ્નાર્થ કે ફરિયાદ નથી હોતા. એની પાસે સ્મરણોનું એક લાંબુ ઘટાટોપ જંગલ હોય છે. સવારે જાગે ત્યારથી મોડી રાતે જંપી જાય ત્યાં સુધી એ જંગલ એના મનમાં લહેરાતું રહે છે. એ એની પસંદગીનો છેલ્લો આધાર હોય છે. સ્મૃતિઓ ગમે તેટલી ઝાંખી થાય તોય સંતાનો અલપઝલપ આંખમાં તરતાં રહે છે. બધી જ માતાનો સ્વભાવ અને વાત્સલ્ય કંઈ જીવનાન્ત સુધી જળવાય એ જરૂરી નથી. ઉંમરની ધૂળ માત્ર દિમાગને જ નહિ, દિલને પણ ચડે છે.

સાજા-નરવા જ આયુષ્ય વીતી જાય તો વાંધો નથી પણ વડીલોનો સ્વભાવ બદલાઈ જાય પછીય એમના શ્રીચરણમાં શિશુકાળે હતી તેવી જ પ્રીતિ રાખવી તે મહાપુરુષોનું કામ છે. એનાથી માને હૈયે જે ટાઢક વળે એ અખિલ બ્રહ્માણ્ડની જાતરાથીય વિશેષ છે. એ મોકો મળે તો લેવા જેવો છે. કારણ કે આપણે ગમે તેટલા જુદા થઈએ, જન્મવેળાએ માતાના શરીરમાંથી ગર્ભનાળ તૂટે પછી પણ એમની જે હૃદયનાળ આપણી સાથે જોડાયેલી હોય તે તો કાળની સર્વ થપાટો પછી પણ અતૂટ રહી હોય છે.

ક્યારેક એની અભિવ્યક્તિ પણ એણે ગુમાવી હોય તોય આપણી દરેક બાબતમાં તેઓ જો ક્યાંય ખોટા ન પડે તો એનાથી વધુ આદર્શ જિંદગી બીજી ન હોઈ શકે. એમની વિચારધારા પ્રમાણે જ આપણી જિંદગી ઘડાયેલી હોય છે પરન્તુ એમના હાથમાંથી છટકી ગયા પછી આ જગતે આપણુ જે ઘડતર કર્યું એ બદલાયેલું પોતાના જ સંતાનોનું ફ્યુઝન કે રેમિક્સ વ્યક્તિત્વ તેઓ સ્વીકારી શકતા નથી. આ પ્રશ્નમાં આપણી અનેક કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ ડોકિયા કરે છે. સંતાનોની વડીલો તરફની ઉદારતા અને ક્ષમાશીલતા જ સેતુકર્મ કરી શકે. આપણી વાત એમને ગળે ઉતારવામાં આપણે હાથે એમનું શેષ આયુષ્ય કોરુંમોરું પસાર ન થઈ જાય એટલું ધ્યાન રહે તો મા કદી એકલી પડતી નથી.