ગ્રીષ્મ ઋતુની રાત્રિની શરૂઆત થાય ત્યારે એમાં શીતળતા અને ઉષ્ણતાનો સમન્વય હોય છે. હવે ઋતુઓ બદલાઈ ગયેલી છે. સાંજ ઢળે અને તુરત જ આહલાદક હિમવર્તી પવનોના કાફલાઓ પશ્ચિમ દિશાએથી આવવા લાગે એવું હવે થતું નથી અને થવાનું પણ નથી. એટલે અગાઉ આપણે માનતા હતા કે ગ્રીષ્મ ઋતુ દિનાન્તરમ્ય છે એટલે કે દિવસના અંતે એ રમણીય લાગે છે પણ એવું હવે નથી. હવે તો આ ઋતુ દિનારંભે વહેલી સવારે રમ્ય છે. સાંજે પવનને શીતળ થતાં વાર લાગે છે અને જ્યારે ( અચાનક દીવાથી દાઝી ગયેલા બાળકના હાથે આપણે ફૂંક મારીએ એમ ) પવન બરફના ટુકડાઓ ચગળતા ચગળતા ફૂંક મારવાની શરૂઆત કરે ત્યાં સુધીમાં તો આપણી આંખમાં ઘેનના વાદળો ઘેરાઈ ગયા હોય છે એટલે એને માણવાની મોજ તો બેહોશીમાં તણાઈ જાય છે. ખરી જમાવટ હવે વહેલી સવારની છે. ચાર વાગે વહેલા ઉઠીને લીમડાના પાંદડા પલાળેલા પાણીથી અંઘોળ કરી ખુલ્લા ડિલે ઘરની બારી સામે ઊભા રહો તો દરેક દિશાએથી તમને આહવાન આપતો સાદ લહેરે લહેરે સંભળાશે.
આ મોસમમાં ખરી જમાવટ વહેલા ઉઠીને ઘરની ચાર દિવાલો ઓળંગી જવામાં છે. અઘરું છે, ચીનની દિવાલનું ઉલ્લંઘન સહેલું છે પણ ઘરની દિવાલ બહુ જ ઊંચી, સ-ઘન અને પહાડી પાષાણની બનેલી હોય છે. એ દિવાલોની ભીતરના શાંત છતાં વ્યર્થ વિસામાએ આ દુનિયાને અનેક મહાપુરુષોની ભેટ આપતા ઉપક્રમને અટકાવ્યો છે. જેમ દળવા બેસો ને ઘંટીમાં દાણા ઓરતા જાઓ ત્યારે ઘંટીના એ બે પડ વચ્ચે પીસાવા જઈ રહેલા દાણાઓમાંથી કોઈ કોઈ દાણા આબાદ છટકી જાય છે.
એવું છટકવાનું સદભાગ્ય તો આપણું આ સંસારમાં નથી, તોય આ ગ્રીષ્મમાં વહેલી સવારે સંસારના એ બે પડ વચ્ચેથી છટકીને ખુલ્લા આકાશ તળે પહોંચી જવાય તો ઠેઠ ‘પહોંચી’ ગયા જેવો જ આ આનંદ છે. વહેલી સવારનું આકાશ સ્પષ્ટ હોય છે. તમારા નેત્રકિરણ આભમાં એક ક્ષણ પણ જે બિંદુ પર ટકે એ બિંદુમાં બિલિયન અને ટ્રિલિયન તારકસમુદાય હોય છે. આભના અતલ ઊંડાણે પોતપોતાની હયાતીની મૌલિક અને અજાયબ ચમક લઈને તેઓ ટમટમતા રહે છે. વહેલી સવારે આપણી નજર સામે દૂર પૂર્વમાં નવા તારાઓ ઉદયમાન થતા હોય છે અને પશ્ચિમમાં અસંખ્ય તારામંડળ આથમતા જતા હોય છે. આરોગ્યશાસ્ત્રીઓ વહેલી સવારનો ઘણો મહિમા સમજાવે છે અને અધ્યાત્મવિદો પણ આપણને પ્રાતઃકાળ પૂર્વે જાગૃત રહેવાની સૂચના આપે છે, પરંતુ એ તો આખી જુદી જ વાત છે. આપણો હેતુ તો સવારે અંધકારથી છવાયેલા આકાશનું દર્શન કરવાનો છે. આકાશ દર્શનનો શ્રેષ્ઠ સમય જ આ રાત્રીઓ છે.
લગભગ અઢી નક્ષત્રથી એક રાશિ બને છે. કન્યા રાશિના તારક સમૂહને જુઓ તો ખરેખર જ એમાં કોઈ દેવપરી સ્વર્ગ તરફ તરતી જતી હોય એવું લાગે. લોકગીત કહે છે કે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ…. હે લ્હેરીડા હરણ્યું આથમી રે હાલાર શ્હેરમાં અરજણિયા…આ હરણ્યું એટલે ત્રણ તારકોનો સમૂહ, જે વહેલી સવારે પશ્ચિમ ક્ષિતિજે દેખાતા હોય. જેમ જેમ સવાર થતી જાય એમ એક તો એ તારાઓ આંખેથી ઓઝલ થવા લાગે અને બહુ વહેલા ઊઠીને તમે જુઓ તો ત્રણ-ત્રણ તારાઓના ઝુમખા પશ્ચિમી ક્ષિતિજે ઊંડે ડૂબકી મારવા લાગ્યા હોય.
પોઢીને પડ્‌યા રહેનારા લોકો માટે આ આકાશ નથી. આપણે માનીએ છીએ એવી જનસમુદાયને તરસ ન હોય. ઘરની દિવાલો કંઈ એમ સહેલાઈથી માણસજાતના હાથમાં નથી આવી. લાખો વરસોના રઝળપાટ અને હજારો વરસોના ગુફાવાસ પછી મળેલો એ મીઠો મધુર આશ્રય છે. એટલે જ એની માયા અનેરી છે. એ મોહથી કોઈ મુક્ત નથી. આખી જિંદગી આમ જુઓ તો સાંજ પડે કે માણસના મનમાં ઘરઘર જ ઘરરર ઘરરરર થતું હોય છે.
એ ઘર-ઘરાટ જ એને પૃથ્વીના પટમાંથી ઘરના ફળિયામાં પાછો લાવે છે. પરંતુ આ માણસજાતનું જૂનું ઘર તો ઉપર આભ અને નીચે ધરા હતું. જ્યાં એણે અણસમજ અને અસ્તિત્વના સંઘર્ષના લાખો વરસો વીતાવ્યા છે. એ જૂના ઘરને જોવા માટેય વહેલી સવારે આજના ‘નવા’ ઘરની બહાર આવી જવું જોઈએ. રવીન્દ્ર જૈનનું ગીત છે – ધરતી મેરી માતા, પિતા આસમાન, મુઝ કો તો અપના સા લગે સારા જહાન…! થોડા સીધાસાદા શબ્દોમાં એમણે વાત મહ¥વની કહી છે.
શિયાળામાં બહુ વહેલી સવારે બહાર ફરવા ન જવાય. ચોમાસામાં પણ એ રોજનો ક્રમ ન બને. સાવ વહેલી સવાર માણવી હોય તો આ ગ્રીષ્મ જ સાથ આપે. પણ આ તો જેને વહેલી સવારનો ઘૂંટાયેલો શીતળ સમીર શ્વાસમાં ઘટક ઘટક પીવો છે એને માટેની વાત છે. ભાંગતી રાતે એ પવન અમલની જેમ ઘૂંટાઈ ગયો હોય, નભની ઊંધી થયેલી ખરલમાં ! સંસારના સર્વ ગરલને એ અમિયલ અભિગમે શમાવી આપે, નમાવી આપે. ઝેર માટે એકલા સાપના ડંખનું ઠેકાણું થોડું છે ? એતો છાંટો-બે છાંટો સહુમાં છુપાયેલું છે.
આ વહેલી સવારનું આકાશ દર્શન ચિત્ત પર વિવેકનો ધોધ પાડે છે. આપડા કંઈક તપેલા તાલકા માથે એ ધોધને અવતારવો જરૂરી છે. આકાશમાં ટગર ટગર જોયા કરો એટલે ખ્યાલ આવે કે પીળા પાંદડાથીય આપણું વજન એટલું તુચ્છ છે કે આ બ્રહ્માણ્ડમાં આપણે ખોવાઈ જતા શી વાર…? ગ્રીષ્મની આ વહેલી સવાર આપણને નવી દીક્ષા આપે છે. ધોમ તડકાના આ દિવસોમાં એ શીતદીક્ષા લેવા જેવી છે. ન લેવા જેવું તો ઘણું આપણા પીઠ પરના ભારે પોટલામાં આપણે લઈ લીધું છે. આ એક પૂર્વપ્રાતઃકાળ માટે થોડો અવકાશ આપીએ તો પેલા પોટલાનો કંઈક ભાર હળવો થવા સંભવ છે.
રસ્તાઓ સૂમસામ હોય છે. ગામ હોય ને નજીક કોઈ હળવા ઢોળાવની ટેકરી હોય તો કેવી મઝા. શહેરોમાંય એટલા પાર્ક અને ગાર્ડન તો છે જ કે જ્યાં આપણે સૌથી પહેલા અને વહેલા પગલા પાડી શકીએ. સવાલ પેલી ચાર દિવાલોને ભેદવાનો છે. એક એક પાંપણ પર ગિરિવર હોય ત્યારે આંખ કેમ ઊઘડે ? ને જો ઊઘડે તો કંઈ કેટલાય ખજાનાઓ ખુલે. ફરી અહીં એની એ જ વાત છે કે જો સોવત હૈ વહ ખોવત હૈ, જો જાગત હૈ વહ પાવત હૈ. સવારે ઊંઘમાંથી ઉઠવાનું કામ જાત સાથે કામ પાર પાડવાનું છે એટલે ભારે લાગે છે. જેઓ જાતે ઉઠી શકતા ન હોય તેમનો બહુ વિશ્વાસ ન કરાય કારણ કે તેઓનામાં પોતાની જાત પાસેથી કામ લેવાની કળા પ્રદીપ્ત થઈ હોતી નથી