જયારે રૂમ નં.૧૦૩માં રાઘવ ધડકતા હૈયે પ્રવેશ્યો ત્યારે ત્યાં જીવણ નહોતો. રામ પણ નહોતો અને પરિવારના બે ભાઈઓ તથા મનસુખ અને ધીરજ પણ બેઠા હતા. જીવણના મા સૂતા હતા. તેમની આંખો બંધ હતી. રાઘવ ધીમે પગલે બેડ સુધી પહોંચ્યો કે મનસુખે આવકાર આપતા કહ્યુ ઃ ‘આવ, રાઘવ આવ.’ ‘‘હા…’’ રાઘવ ધીમે પગલે આવીને ઉભો રહ્યો કે ધીરુએ સ્ટુલ પરથી ઉભા થઈ જતા કહ્યુઃ ‘‘અહી બેસ.’’ ‘‘ના, ના… ઉભો છું.’’ રાઘવે સવિનય ના પાડતા કહ્યુ અને પછી આસપાસ જાયુઃ ‘રામભાઈ નથી?’’ ‘‘રામ હજી હમણા જ ગામડે ગયો. આજ દિ’ સુધી અહિંયા જ હતો હવે સારુ છે એટલે જીવણે જ એને કહ્યુ, કે હવે તુ જા, કામ હશે તો બોલાવીશ.’’ ‘‘મા ને કેમ છે?’’ ‘‘ઓપરેશન કરવુ પડયુ છે. થાપાનું હાડકું ભાંગી ગયુ છે. એટલે અંદર ઈસ્ક્રુ ફીટ કરવા પડયા.’’ ‘‘આ ગઢપણ..અને ઓપરેશન…..’’ દિલસોજી પાઠવતા રાઘવ બોલ્યોઃ ‘‘બહુ અઘરૂ છે.’’ ‘‘પહેલા જામનગરવાળા હાડવૈદ્યને ત્યાં લઈ ગયા હતા. પણ હાડકું અંદર એવી રીતે બટકી ગયુ છે કે, ત્રણ થી ચાર મહિના પ્લાસ્ટરનો પાટો રાખવો પડે એમ કીધુ અને વળી ઝાડો-પેશાબ બધુ પથારીમાં જ કરાવવુ પડે પણ ઘરમાં બૈરા વગર આ બધું કોણ કરે? બે ચાર દિ’ હોય તો સૌ કોઈ વળી ટૂંકા કરી દે! પછી આપણા ગામના વિનુભાઈ માસ્તરને વાત કરી એમની સલાહ લીધી તો એમણે કહ્યુ કે હાડકાના ડોકટર સર્જન છે. ખૂબ સારા અને હોશિયાર છે. એમની બાને હજી ચાર મહિના પહેલા જ ઓપરેશન કરાવ્યુ હતુ અને માસ્તર સાહેબે કીધુ કે તમારે ય જા બહુ હેરાન ન કરવા હોય તો ઓપરેશન કરાવી નાખો. પછી નક્કી કર્યુ. થોડો’ક ખર્ચો થયો જીવણને, પણ માડી મહિના દોઢ મહિનામાં હાલતા થઈ જશે. ‘‘આ ત્રણેય વાત કરતા હતા કે ત્યાં જ, જીવણ બહારથી આવ્યો. જીવણને જાયો એટલે રાઘવ સ્ટુલ ઉપરથી ઉભો થઈ ગયો. મનસુખે જીવણને ઉદેશીને કહ્યુઃ ‘‘રાઘવ આવ્યો છે માની ખબર કાઢવા….’’‘‘હા, તે મેં જાયો ? સામૈયુ કરો એનું.” જીવણ દાઢમાં બોલ્યો. પેલા બન્ને તો તાકતા જ રહી ગયા કે જીવણ આ શું બોલે છે! પરંતુ રાઘવને પરિસ્થિતિનો તાગ મળી ગયો એટલે એણે ખુલાસો કરતા કહ્યુઃ ‘‘હું મારુ સામૈયુ કરાવવા નથી આવ્યો અને મારે સામૈયાની કોઈ આશા ય નથી. ભાઈ જીવણ! હકિકતમાં હું જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હતો. તને તો ખબર જ છે ને કે મારા માસીની દીકરીની કીડની ફેલ થઈ ગઈ છે. અને તેને અવારનવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કીડની વિભાગમાં દાખલ કરવી પડે છે. તો હું તો અમદાવાદ ગયો હતો. આજે વહેલી સવારે ઘેર આવ્યો ત્યારે સમાચાર મળ્યા કે તરત જ દવાખાને દોડી આવ્યો.’’ ‘‘એવા કાલા કાઢવાની કાંઈ જરૂર નથી રઘા! ’’ જીવણ ખારમાં બોલ્યોઃ ‘‘તું આવે કે ન આવે મને શો ફેર પડે છે? શું તુ મારી માનું દુઃખ લઈ લઈશ? ઈ આટલા વખત સુધી રિબાયા, એ રિબાવટ તારા પંડયમાં પ્રગટી શકશે? એલા, તું કાંઈ માની ખબર કાઢવા નથી આવ્યો. તું શું કામે આવ્યો છો એની મને ખબર છે.’’ ‘એલા ભાઈ, તું શું કાયમથી મારી વાતને આવા ત્રાંસથી જ લે છે.” રાઘવ લાગણીશીલ થતા બોલ્યોઃ ‘‘તને સમ ખાઈને કહુ છુ કે, હું આજે સવારે ઘરે આવ્યો. ઘરે આવીને હું રામને મળવા જતો હતો ત્યાં કંચુ અને ભાભી સામા મળ્યા. મને કહે કે જીવણભાઈના મા પડી ગયા છે તે રામભાઈ અહીંયા આવ્યા છે હું તરત જ તૈયાર થઈને બસસ્ટેન્ડે ઉભો રહ્યો કે મને છકડો મળ્યો. સીધો અહી આવ્યો.’’ ‘‘તારા ચાવવાના અને બતાવવાના દાંત જુદા જુદા છે રઘા ! તને હું પગના અંગુઠાથી તે ઠેઠ માથાના મોંવાળા સુધી આખે આખો ઓળખુ છુ! તું મનમાં ને મનમાં તો રાજી જ થતો હો, કે જીવણાને કેવડુ મોટું દવાખાનું આવ્યુ? હવે જીવણો દેણામાં ડૂબી જશે. હવે જીવણો ઉભો નહી થઈ શકે. તું શું વિચારતો હો ઈ બધી મને ખબર છે. મનમાં ને મનમાં રાજી જ થતો હોય પણ ઉપરવાળો દયાળુ છે. ઈ તારી જેમ પેટમેલો નથી.! પીડા એણે આપી, સહનશÂક્ત પણ એણે જ આપી. દરદ એણે આપ્યુ. તો દવા પણ એણે જ આપી! તને ખબર છે? મારી મા પડી ગઈ, ત્યારે પંદરથી વીસ ભાઈબંધ ભેગા થઈ ગયા હતા. અને દરેક ખિસ્સામાં બે હજારથી બાર હજાર, પાંચ હજારથી પચ્ચીસ હજાર રૂપિયા નાખી નાખીને સૌ આવેલા, અહીંયા મને ખબર જ નથી પડી કે, રિપોર્ટ કોણે કરાવ્યા? દવા કોણ લઈ આવ્યુ? ડોકટરને કોણે ચૂકવ્યા? શીશી સુંઘાડવાળાને કોણે આપ્યા? ઓપરેશન કેમ કરતા ઘડીકમાં પૂરુ થઈ ગયુ. અને મારી માને નવો અવતાર મળ્યો અને જા, મારી મા જીવતી છે, ને નિરાંતે સૂતી ય છે!! પણ તું ? તું તો ખભે ફાળિયુ નાખીને નીકળી ગયો હોઈને કે, કદાચ મારી મા મરી જાય તો ફાળિયુ લેવા ઘરે ય જવુ ન પડે.’’ ‘‘મને બધીય ભાન પડે છે કે, તારા પગલા કઈ બાજુ વળશે? તું શું વિચારીશ? હવે પછી તું કયુ પગલુ ભરીશ? હવે કઈ બાજી મારી સાથે ખેલીશ!….ઈ બધીય ભાન પડે છે.’’ ‘‘જીવણ..જીવણ…’’ જીવણે રાઘવના કાળજે તેલ રેડીયુઃ “તારી જેવો નાટકીયો, હજી સુધી મેં મારી જીંદગીમાં જાયો નથી રઘવા ! હવે શરમ કરને તો સારી વાત છે.’’ ‘‘જીવણ.’’ રાઘવની આંખમાંથી આંસુ નીકળી ગયા. ‘‘હું માની ખબર કાઢવા આવ્યો હતો. નાટક કરવા નહી સમજયો?’’ ‘‘હા, મને ખબર છે કે તું શું લેવા આવ્યો છો. તું ખબર કાઢવા નહી પણ મારા કાળજે કડકડતું તેલ રેડવા આવ્યો છો પણ હા, ચાલ તારી વાત સાચી જ હોય તો મારે અટાણે વીસ હજારની જરૂર છે. બોલ, કેટલા લાવ્યો છો? અહીંયા જે કોઈ આવ્યા ઈ મારી માને પોતાની મા સમજીને આવ્યા હતા અને સૌ કોઈ ફૂલ નહિ પણ ફૂલની પાંખડી સમજીને મને મદદ કરતા ગયા છે. અને તુ તો કુંટુંબનો છોકરો! બોલ કેટલા લાવ્યો છો?’’ ‘‘અરે ભાઈ…. મારી પાસે અટાણે તને મદદ કરી શકાય એવુ કંઈ છે નહિ. અમદાવાદ ગયો ત્યારે ઘરમાં જેટલા પડયા હતા ઈ બધા મારી માસીને દઈ દીધા.’’ ‘‘તો પછી ચલ…. મારગે પડ. અહીંયા તારી કોઈ જરૂર નથી. મને તો ખબર જ હતી કે તું જેટલો બહાર છો એટલો અંદર છો. જા…..ઉપડ..હવે કોઈ દિ’ મારા ઘરભણી નજરેય કરતો નહી.’’ ‘‘અરે જીવણ..આ શું બોલે છો? ’’ ધીરૂએ જીવણને વારતા કહ્યુઃ ’’ એવુ ના બોલ, એવુ ના બોલ. આ તને સારૂ ન લાગે જીવણ.. આમા રાઘવ શું કરી શકે એ તો” ‘‘ બસ ધીરૂ બસ… હું જે કંઈ કહુ છું એ બરોબર છે તને હજી કાંઈ કરતા કાંઈ ખબર નથી. આ ભાઈના કારનામા બહુ ઉંડા છે. આ મારો ભાઈ નથી પણ ભાંડ ભવાયો છે. એને જાતજાતના ખેલ કરતા આવડે છે. તને ખબર ન હોય……’’ જીવણે ધીરૂને ઉદેશીને કહ્યુ અને પછી રાડ પાડીઃ ‘જા, તારુ મોઢું કાળુ કર…’’ પણ ત્યાં જ ‘‘જીવણ…..’’ કરતા તેની માએ ધીમેથી સાવ ક્ષીણ અવાજે સાદ પાડયો “જીવણ ’’ “હા, મા…” કરતો એની બા પાસે દોડી ગયો કે ડબલી જેવી બે આંખ ચારેય ને ટગર-ટગર તાકી રહી હતી. ‘‘જીવણ…’’ તેની માએ રાઘવ તરફ આંગળી ચિંધીને પછી કહ્યુઃ ‘‘એ તો ડાહ્યો છોકરો છે તું એને શું કામ ખીજાય છે? રહેવા દે બેટા…..આ સારૂ નો લાગે.’’ પણ જીવણાનો તોર ઓછો થયો નહોતો. એની ધ્રુજતી આંગળી ફરીવાર રાઘવ તરફ તકાઈ. જીવણે વડકુ કરી લીધુઃ “મા, તને ખબર ન હોય એની, એ ઓછી માયા નથી પણ તને નહી સમજાય. તું ચાદર ઓઢીને સૂઈ જા. હાલ્ય….’’ કરતા એની મા ના મોઢા ઉપર ચાદર ઓઢાડી દીધી.
રાઘવ, ભીની નજરે પેલા બન્ને તરફ અને પછી ચાદર નીચે રહેલા પેલા વૃધ્ધ શરીર સામે તાકી રહ્યો અને પછી બહાર નીકળી ગયો..
ઓતરાદી વીજળી ચમકી અને પછી જબરજસ્ત કડાકો થયો. કડાકો સાંભળીને દિશા ખળભળી ઉઠી પણ પછી વનવનનાં મોરલા ટહુકી ઉઠયા. બે દિ’ પહેલા મળેલો મનનો માણીગર રાઘવ. મળ્યો ત્યારનો હૈયામાં હમચી ખૂંદતો હતો જાણે કે, રાતોની નિંદર વેરણ કરી દીધી હતી તેણે! કયાંય કરતા કયાંય લોહી સમાતુ નહોતુ. જે કંઈ ઘડી બે ઘડી મળ્યા પછીની રૂપા આકુળ વ્યાકુળ થઈ ઉઠી હતી. રાત તો અડધી વીતી ચૂકી હતી. હજી સુધી તો પથારીમાં પડખાં ફેરવતી હતી અને એમાં આભમાં મેઘરાજાની પધરામણીના ડંકા વાગવા લાગ્યા હતા. એ ઓરડામાંથી ફળિયામાં આવી તો આઘેરે’કથી ભીની માટીની સોડમ શ્વાસમાં આવી ભળી. તેણે આંખો બંધ કરી, જાણે પિયુએ તેને પોતાની બાહુપાશમાં બાંધીને પછી આખેઆખી તેડી લીધી. એ ઓરડામાં દોડી ગઈ અને તકિયાને છાતી સાથે ભીંસી દીધો. (ક્રમશઃ)