દરિયો એક એવી ખુલ્લી જગ્યા છે જ્યાં માણસને પોતાના ઓરડા સિવાય પણ એકાંત મળી શકે છે. દરિયાના ઘણા સમાનાર્થી શબ્દો છે. તેના પર્યાયવાચી શબ્દોમાં કેમ એક પણ શબ્દ એવો નથી જેનો અર્થ એકલતા કે એકાંત થતો હોય ? અને છતાંય દરિયો ખુદ એકાંતનું પ્રતીક છે. સદીઓથી એ પોતે જ પોતાનામાં ઘૂઘવતો રહે છે. દરિયાના પાણીમાં સરકી સરકીને બે ખંડો અલગ થઈ ગયા કે ઘણા ટાપુઓ દરિયામાં સમાઈ ગયા પણ દરિયાનું સ્થાન હલ્યું નહીં. દરિયાના પેટાળમાં હવે તો માનવજાત કેટલું બધું ઠાલવીને જતી રહી છે તો પણ ઊંડા પેટનો દરિયો ખસતો નથી. નદીઓને દરિયામાં સમાઈ જવું હોય તો સમાય, દરિયાને તેના મીઠાં પાણીની ગરજ નથી. જો શંકરે પોતાની સાધના માટે કૈલાસ સિવાય બીજી કોઈ જગ્યા પસંદ કરવાની આવી હોત તો તેમણે દરિયો જ પસંદ કર્યો હોત. શેષશાયી વિષ્ણુએ દરિયા પર જ શયન પસંદ કર્યું છે. જટાળા જોગીને સંસારથી અલિપ્ત રહીને તપ કરવું છે, દરિયો પણ પોતાની ધૂનમાં એકલો રહે છે. આટલી ખારાશ બીજું તો કોણ પચાવી શકે ? સ્વયંના કોઈ આત્યંતિક અવગુણને સહન કરવાની કળા એટલે દરિયો અને એની ખારાશ છે.
માણસ એકાંત શોધવા દરિયા પાસે જતો હોય છે. કોઈ પૂછે કે એકાંતને અવાજ હોય ? તો દરિયાના ઉછળતા મોજાનો સાઉન્ડ તે સવાલનો જવાબ છે. દરિયાના મોજા એકાંતરસને સઘન કરે છે. અમલની જેમ ઘૂંટે છે. કિનારે બેઠેલા માણસને એકાંતની શાંતિનો અનુભવ થતો હોય છે. કાંઠે બેઠેલા અને ક્ષિતિજ ઉપર સરકતી જતી લાઈટો સામે ત્રાટક કરતા માણસને એવો ભ્રમ હોય છે કે તે એકાંત માણી રહ્યો છે. પરંતુ દરિયો તેને કંપની આપતો હોય છે. દરિયો એક જ જગ્યાએ સ્થિર રહે છે છતાં પણ તે જડ કે સ્થૂળ નથી. તેના આવતા અને પાછા વહી જતા મોજા સંસાર સાથે એક અનુસંધાન બાંધે છે. કોઈ કથાકાર દરિયાના મોજાની એ વર્તણુંકને સુખ અને દુઃખ સાથે સરખાવે પણ આમ જોઈએ તો તે પ્રયત્નોનું સૂચક છે. યુગયુગોથી દરિયો દુનિયા સાથે સેતુ બાંધવાની કોશિશ કરતો આવ્યો છે, પોતાના નાના-નાના મોજાને કાંઠે મોકલતો આવ્યો છે, પણ તેણે હાર નથી માની. એકાંત તો દરિયાને પણ પ્રિય છે પણ તેના એકાંતની નોંધ લેવા માટે તે ધરતીને સતત કહેણ મોકલે છે. ઉછળી ઉછળીને વસુંધરાના પાલવછેડે પડે છે.
પોરબંદર, દીવ, તીથલ, માધવપુર જેવા દરિયાકાંઠે લોકો આખા પરિવાર સાથે જાય છે અને સમૂહમાં બેસે છે. આપણે ત્યાં મહુવાને પાદર ભવાની પણ લોકો જાય છે. આવનારા દિવસોમાં ચાંચ બંદર અને વિક્ટર પણ લોકો જતાં-આવતાં થશે. સમૂહમાં બેઠેલા દરેક માણસને દરિયો જિંદગીમાં સહેજ ભટકી ગયેલા વટેમાર્ગુની અનુભૂતિ આપે છે. કાંઠે બેઠેલા ટોળાને પણ દરિયો થોડું થોડું એકાંત પીરસી દે છે. દરિયો દૂર રહીને પણ માણસને તેના ત્રણેય કાળ વિશે વિચારવા મજબુર કરી દે છે. ભૂતકાળની ખાટીમીઠી યાદો વાગોળવાનું તીરથ દરિયા સમીપે જ હોઈ શકે. પોતાની ભૂલો, વસવસો, અફસોસ બધું દરિયા સાથે અવ્યક્ત વાણી દ્વારા કહી શકાય છે. પાછળની રંગીન યાદોને દરિયાનો સંગાથ ચમકીલી બનાવી દે છે. પહેલો પ્રેમ, પહેલો પગાર, પ્રથમ બાળકના જન્મ સમયની જીવન પરિવર્તક ક્ષણો…. દરિયાકાંઠે પહેલા યાદ આવે. દરિયો આપણને એકાંત આપે, આપણે દરિયાને આપણી જીવન માળામાંથી અમુક ચુનંદા સ્મૃતિ-મણકા આપીએ.
દરિયો વર્તમાનને વધુ ધારદાર રીતે આપણી સામે રજૂ કરે છે. દરિયો માણસને તેનું સ્થાન વ્યવસ્થિતપણે નામનિર્દેશન કરીને બતાવે છે. દરિયા પાસે આવેલા માણસને ભાન થાય છે કે સ્વયં ભગવાન રામે પણ દરિયા પાસે થોભવુ પડ્‌યું હતું. અર્જૂનના મહારથી તરીકેના અભિમાન કે અહંકારને ઓગળવાની તાકાત દરિયાની ખારી હવામાં છે. કેટકેટલી ખારવણોના આંસુથી એ દરિયો દાઝીને બેઠો છે. દરિયાની સહનશક્તિ અસીમ છે. દરિયો એના કાંઠે બેઠેલા માણસને પણ સહન કરતા શીખવે છે. ઓટ પછી ભરતીની રાહ જોતા શીખવે છે. દૂર દેખાતા જહાજો અને નાની નૌકાઓ જેટલું ઝાંખું ભવિષ્ય દેખાતું હોય પણ ત્યારે જ ચોતરફ ૩૬૦ ડિગ્રીમાં ફરતા દીવા જેવી દીવાદાંડી દેખાય. આગળના દિવસોનું કેમ પ્લાનિંગ કરવું એના વિકલ્પો દરિયો આપે છે. આપડે શું પસંદ કરવું એ આપડા પર છે.
દરિયા પાસે આવતા જ એકાંત મળે. માનવમન શાંત થાય ત્યારે હતાશા કે ઉત્તેજના બંને શમી જાય છે. ધ્યાન કરવા માટે પદ્માસનની મુદ્રાની જરૂર દરિયાકાંઠે નથી હોતી. દરિયો ખુદ મેડિટેશનનો આરાધ્યદેવ છે. આ જ આરાધ્યદેવે કેટકેટલા વિજ્ઞાનીઓ, સંગીતકારો, ચિત્રકારો, કવિઓ, ઋષિમુનિઓ, પ્રવાસીઓને મહાન પ્રેરણાઓ આપી હશે. ભરચક દરિયો એકાંતનું અક્ષયપાત્ર છે. તમે આ દુનિયામાં સહુને મળી શકો છો પરંતુ પોતાની જાતને મળવાનું કામ અઘરું છે. દરિયો તમને એ તક આપે છે. મહુવાથી કળસાર દરિયાના કાંઠે કાંઠે જાઓ તો ત્યાં કેટલીક ભેખડ છે. ભવાની પાસે પણ એવી ઊંચી ભેખડ પહેલા હતી. હવે ત્યાં પણ્યો પહોંચી ગયો છે. પણ્યો એટલે દરિયાની સાવ ઝીણી રેતી. શિશુકાળે પણ્યામાં રમવું એક લ્હાવો છે. આવી કોઈ ભેખડ મળી જાય તો પૂર્ણિમાની રાતે ત્યાં દરિયા દેવની ઉછળતી લહેરોની વારંવારની છાલકમાં બે પ્રહર પસાર કરવા જેવા હોય છે. એમાં જગ્યા પસંદ કરવામાં ભૂલ કરો તો દરિયો તમને તાણી પણ જાય.
દરિયાના એકાંતની પરાકાષ્ઠા જાણવી હોય તો કોઈ મરજીવાને પૂછવું. સાગરખેડૂની ચારે દિશાઓમાં દરિયો હોય જ્યારે મરજીવાની દસે દિશા દરિયાના પાણીથી ઘેરાયેલી હોય. એકાંતનું દબાણ દરિયાના પાણી નીચે વધુ સારી રીતે માણી શકાય. પીગળી રહેલા નીલમ જેવો માહોલ દરિયો રચી આપે એવી કલ્પના જાવેદ અખ્તરે કરી છે. આવા એકાંતના મહાસાગરમાં ડૂબીને બહાર નીકળી શકનારાના નસીબમાં જ મોતી લખ્યું હોય છે. દરિયો સૌ કોઈને મોતી આપતો નથી. છીપલા કાંઠે રહેલા બધાને મળે. મોતી જોઈતું હોય તો દરિયામાં તત્પુરતા સમાઈ જવાની તૈયારી રાખવી પડે. છીપની દાબડીમાં સમાયેલા મોતી જેવો આપણો જીવ હોય છે. દરિયો બહુ બધું શીખવી દે છે. તેના એકાંતમાં પોતાને જ પોતાનો ગુરુ બનાવવાની તાકાત રહેલી છે.
ગુજરાતનો દરિયા કિનારો બહુ વિશાળ છે. છતાં આપણી યુનિવર્સિટીઓમાં ક્યાંય સાગર ભવન નથી કે જ્યાં માત્ર સમુદ્રી અભ્યાસક્રમ ચાલતા હોય. અરે આપણા રાજ્યમાં મરીન એન્જિનિયરિંગનો પણ કોઈ ધડો નથી. સરકારે પણ ગુજરાતના દરિયા કિનારાનો પૂરતો વિકાસ કર્યો નથી ને પ્રજાને રસ પણ ઓછો છે. પરંતુ એક હકીકત તમામ ગુજરાતીઓએ યાદ રાખવા જેવી છે કે ગુજરાતમાં જે રૂપિયો છે એ દરિયામાંથી આવેલો છે. એક હજાર વરસના પેઢી દર પેઢીના વહાણવટા પછી ગુજરાત સમૃદ્ધ થયેલું છે. એ જ સમુદ્ર માર્ગે અભિનવ લક્ષ્મી ન આવે તો જે છે એ રૂપિયાનું પોત પાતળું પડી જાય. ખેડૂ અને દરિયાખેડૂ કોઈ પણ યુગમાં ગુજરાતના સુખદુઃખના નિર્ણાયક રહ્યા છે અને રહેશે.