યુએસ એફબીઆઈએ કેલિફોર્નિયાના આર્કેડિયાના મેયર ઈલીન વાંગ પર ચીન માટે ગેરકાયદેસર એજન્ટ તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. ફેડરલ કોર્ટમાં વાંગ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.એફબીઆઇ અનુસાર, ઈલીન વાંગે ૨૦૨૦ થી ૨૦૨૨ દરમિયાન ચીની સરકારી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામ કર્યું હતું અને અમેરિકામાં ચીનના હિતોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો. વાંગ વિશેના આ ખુલાસાથી યુએસ વહીવટીતંત્રને આંચકો લાગ્યો છે.
એફબીઆઇ અનુસાર, ઈલીન વાંગ અને યાઓનિંગ “માઈક” સન નામના વ્યક્તિએ અમેરિકામાં રહેતા કેટલાક વ્યક્તિઓ સાથે મળીને ચીની સરકારના ઈશારે પ્રચાર ફેલાવ્યો હતો. તેઓએ “યુએસ ન્યૂઝ સેન્ટર” નામની વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો, જેને સ્થાનિક ચીની-અમેરિકન સમુદાય માટે “સમાચાર પ્લેટફોર્મ” તરીકે વર્ણવવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓ કહે છે કે ચીની સરકારના ઈશારે આ વેબસાઇટ પર ચીન તરફી સામગ્રી પ્રકાશિત કરવામાં આવી હતી.
૫૮ વર્ષીય ઈલીન વાંગે આ કેસમાં આરોપો સ્વીકાર્યા છે. આ ગુનામાં મહત્તમ ૧૦ વર્ષની જેલની સજા થઈ શકે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર, વાંગ સોમવારે બપોરે લોસ એન્જલસમાં યુએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં હાજર થશે અને આગામી અઠવાડિયામાં ઔપચારિક રીતે દોષિત ઠેરવવાની અપેક્ષા છે. ઈલીન વાંગ નવેમ્બર ૨૦૨૨ માં આર્કેડિયા સિટી કાઉન્સિલ માટે ચૂંટાયા હતા. આ પાંચ સભ્યોની કાઉન્સિલ છે, જે રોટેશનલ ધોરણે મેયરની ચૂંટણી કરે છે.
ચીની એજન્ટ હોવાનો આરોપ લાગ્યા બાદ વાંગે આર્કેડિયા સિટી કાઉન્સિલ અને મેયર પદ પરથી રાજીનામું આપ્યું છે. ન્યાય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જૂન ૨૦૨૧ માં, એક ચીની અધિકારીએ વીચેટ એપ દ્વારા વાંગ અને અન્ય લોકોને પૂર્વ-તૈયાર સમાચાર લેખો મોકલ્યા હતા. આ લેખો યુ.એસ.માં પ્રકાશિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુ.એસ.ના રાષ્ટ્રીય સુરક્ષા સહાયક એટર્ની જનરલ જાન આઈઝનબર્ગે જણાવ્યું હતું કે ચીની સરકારના ઈશારે કામ કરતી એક મહિલા જાહેર પદ પર પહોંચી ગઈ છે તે ખૂબ જ ચિંતાજનક છે.
“આવા વ્યક્તિઓ અમેરિકન લોકશાહીને નબળી પાડે છે.” કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટના ફર્સ્ટ આસિસ્ટન્ટ યુએસ એટર્ની બિલ ઇસાઇઆસે જણાવ્યું હતું કે, “જેઓ ગુપ્ત રીતે વિદેશી સરકારો માટે કામ કરે છે તેઓ અમેરિકન લોકશાહીને નબળી પાડે છે. આ કાર્યવાહી ચીનના પ્રભાવ અને ભ્રષ્ટ પ્રયાસો સામે એક મોટી સફળતા છે.” એફબીઆઈના કાઉન્ટર ઇન્ટેલિજન્સ અને જાસૂસી વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર રોમન રોગોસ્કીએ જણાવ્યું હતું કે આ કેસ વિદેશી સરકારોના ઈશારે અમેરિકાની લોકશાહી વ્યવસ્થાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરનારા કોઈપણ વ્યક્તિ માટે સ્પષ્ટ ચેતવણી તરીકે કામ કરે છે.