ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે નાઘેર સત્સંગ સમાજ તથા ગુરુકુલ પરિવાર દ્વારા જળઝીલણી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજ, માધવપ્રિયદાસજી સ્વામી અને બાલકૃષ્ણદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ગુરુકુલથી મચ્છુન્દ્રી નદીના કિનારા સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. નદીના તટે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-આરતી કરી ઠાકોરજીને નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતો. સંતોએ જળઝીલણી એકાદશીના મહિમા અને સનાતન સંસ્કૃતિના મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું. નૂતન વર્ષના કેલેન્ડરનું વિમોચન કરાયું હતું. અંતે ૧૦ હજારથી વધુ શ્રધ્ધાળુઓએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.









































