કોડીનારના ચકચારી વિમાંશી ઠકરાર હત્યા કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ અતુલકુમાર આર. પટેલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી કશ્યપ વિજયભાઈ પુરોહિતને હત્યાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર તેના પિતાને પાંચ વર્ષની કેદની સજા સંભળાવી છે. ઘટનાની વિગત મુજબ વર્ષ ૨૦૧૮માં આરોપી કશ્યપ પુરોહિતને વિમાંશી સાથે પ્રેમ સંબંધ હોય તેઓ બંને અવારનવાર મળતા હતા. એ દરમિયાન કશ્યપને ધરતી નામની યુવતી સાથે પ્રેમ સંબંધ થતા વિમાંશી અને કશ્યપ સાથે ઝઘડો થતો હતો. જેથી ૫-૧૧-૨૦૧૮ ના રોજ રાત્રિના સમયે વિમાંશીએ કશ્યપને મળવા બોલાવ્યો હતો અને તેને અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધ તોડી નાખવા જણાવતા કશ્યપે તેને ના પાડી હતી. બાદ ધરતી નામની યુવતી ત્યાં આવી જતા બોલાચાલી થતા ત્રણેય જણા મોટરસાયકલમાં બેસીને કોડીનારના બાયપાસ પાસે અવાવરુનું જગ્યાએ ગયેલા. જ્યાં બોલાચાલી દરમિયાન કશ્યપે વિમાંશીને ઉપરા-છાપરી છરીના ઘા મારી તેની હત્યા કરી હતી અને ઘરે જતા તેના પિતાને હત્યાની વાત કરી હતી. આ ગુનામાં આરોપીના પિતા વિજયભાઈએ લોહીવાળા કપડાં સળગાવવામાં અને ગુનામાં વપરાયેલ છરી તથા મોબાઈલનો નિકાલ કરવામાં મદદ કરી હોવાનું સાબિત થયું હતું. જેથી પોલીસે કશ્યપના પિતાની પણ ધરપકડ કરી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી અદાલતે કશ્યપ પુરોહિતને આજીવન કેદ અને રૂ. ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.