મૂલ્યવર્ધન શું છે ? મૂલ્યવર્ધનનો અર્થ છે કે કોઈપણ વસ્તુમાં તેને તેની મૂળ સ્થિતિમાંથી ઉચ્ચ ગુણવત્તાની સ્થિતિમાં બદલવું જેથી અંતિમ ઉત્પાદનમાં વધારો થઈ શકે. સાદી ભાષામાં મૂલ્યવૃદ્ધિ એટલે કે કિંમતમાં વધારો કરવાની ક્રિયા.
કૃષિ પેદાશોને બારોબાર એમને એમ ન વેચી દેતાં તેના ઉપર કોઈપણ જાતની પ્રક્રિયા (પ્રોસેસિંગ) કરી તેની કુલ કિંમતમાં જે વધારો કરી શકાય તેને સાદી ભાષામાં “મૂલ્યવૃદ્ધિ” કહે છે. કોઈ વ્યક્તિ, કંપની કે સંસ્થા પોતાના ઉત્પાદનના મૂલ્યમાં વધારો કરવા માટે વિવિધ ઉપાયો હાથ ધરે છે. આવી પ્રોડક્ટને “વેલ્યુ એડેડ પ્રોડક્ટ” તરીકે ઓળખવામાં આવે છે. પહેલાનાં સમયમાં સૂર્ય દ્વારા સૂકવણી, મીઠું ચડાવવું, પાંદડાઓમાં લપેટી અને અનાજના ભંડારમાં સંગ્રહ કરવામાં આવતું હતું. વર્તમાન સમયમાં ટેક્નોલોજીના વિકાસ સાથે તેમાં આધુનિક મશીનોનો ઉપયોગ કરીને નાના અને મોટા પાયે પ્રોસેસિંગ, પેકેજિંગ, ક્રાફિં્‌ટગ, બ્રાન્ડિંગ અને ગુણવત્તા ખાતરી પ્રક્રિયાઓ દ્વારા નવીનતા અને ઉત્પાદનમાં ફેરફારનો સમાવેશ કરીને મૂલ્યવર્ધન થાય છે. મૂલ્યવૃદ્ધિ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ઉત્પાદનની ગુણવત્તા અને વેચાણ કિંમતમાં વધારો કરે છે આમ નફાના માર્જિનમાં વધારો થાય છે.
મૂલ્યવર્ધનનું કૃષિ માટે શું મહત્વ છે? મૂલ્યવર્ધનની પ્રક્રિયામાં માત્ર આપણી આવકમાં વધારો નથી કરતી, પરંતુ અંતિમ ઉત્પાદન લાંબા સમય સુધી ચાલે છે તેની ખાતરી પણ આપે છે; ૧. ભેજ ઘટાડે છે તથા બેક્ટેરિયા અને ફૂગના વિકાસને અટકાવે છે., ૨. પેકેજિંગ જે ઉત્પાદનને સારી શારીરિક સ્થિતિમાં રાખીને રક્ષણ આપે છે અને બાહ્ય વાતાવરણ સાથેના સંપર્કને દૂર કરે છે. ,૩. મૂલ્યવર્ધિત ઉત્પાદનો સામાન્ય રીતે ટીન, ડબ્બા, બેગમાં પેક કરવામાં આવે છે આ રીતે ઉત્પાદન લાંબા સમય સુધી ચાલી શકે છે અને વધુ બજારો સુધી પહોંચી શકે છે. આ રીતે વેચાણક્ષમતા અને નફો પણ વધે છે. પેકેજીંગ સ્ટોરેજ અને હેન્ડલિંગને પણ સરળ બનાવે છે., ૪. મૂલ્યવર્ધન દ્વારા ખાદ્ય અને લીલા ઉત્પાદનોની આર્થિક અને કાપણી પછીની ખોટ અટકાવવામાં આવે છે. ઉગાડ્‌યા પછી, મૂલ્યવર્ધન કરવામાં આવે છે અને પછી ઉત્પાદનોને ઊંચી કિંમતે વેચાણ માટે નિકાસ કરવામાં આવે છે., ૫. પેદાશની ગુણવત્તામાં વધારો કરી શકાય છે., ૬. ઉત્પાદકતા અને ઉપભોક્તા એમ બંનેને સારી વસ્તુ અને સારા લાભ મળે છે., ૭. ખોરાકની ઉપલબ્ધતા અને વૈવિધતામાં વધારો થાય છે., ૮. કૃષિ પેદાશો વધુ પોષણક્ષમ, સ્વાદિષ્ટ તથા આકર્ષક બને છે., ૯. લોકોને પોષણક્ષમ આહાર મળે છે., ૧૦. પેદાશોની સંગ્રહ શક્તિમાં વધારો થાય છે., ૧૧. ઉત્પાદકોને આર્થિક શક્તિમાં વળતર વધારે મળે છે, ૧૨. રોજગારીની તકો વધે છે., ૧૩. નિકાસમાં વધારો કરી વિદેશી બજારોમાં પણ કમાણી કરી શકીએ છીએ., ૧૪. જે તે પેદાશ ઋતુ સિવાયના સમયમાં પણ મળે છે.
મૂલ્યવર્ધન કરવાની વિવિધ રીતો શું છે ? વર્ગીકરણ દ્વારા મૂલ્યવૃદ્ધિઃ ખેતપેદાશોનું વર્ગીકરણ તેની જાત, વજન, ગુણવત્તા, કદ, રંગ અને આકારના આધારે કરવામાં આવે છે. આવા વર્ગીકરણ કરેલાં માલના ભાવ પણ વધુ હોય છે.
આકર્ષક પેકિંગ દ્વારા મૂલ્યવૃદ્ધિઃ આજના સ્પર્ધાના યુગમાં કોઈપણ પેદાશ માટે તેનું યોગ્ય, આકર્ષક અને પહેલી નજરે જોતાં જ ગ્રાહકને પસંદ આવી જાય તેવું પેકિંગ ખુબ જ જરૂરી છે .ઉત્પાદિત માલની ગુણવત્તા ગમે તેટલી સારી હશે પણ જો પેકિંગ આકર્ષક નહિ હોય તો વસ્તુ ખરીદવા ગ્રાહક થોડું વિચારશે અને પછી જ ખરીદવાનો પ્રયત્ન કરશે.
કોલ્ડ સ્ટોરેજ દ્વારા મૂલ્યવૃદ્ધિઃ શાકભાજી અને ફળોનું ઉત્પાદન સીમિત હોવાથી બજારમાં એક સાથે વધારે જથ્થો આવે છે અને બજારમાં માલનો ભરાવો થવાથી તેના બજારભાવ ઘટે છે. આવા સંજોગોમાં આવા માલને નીચા તાપમાને સંગ્રહ કરીને જયારે તે માલ ઉપલબ્ધ ન હોય તેવા સમયે વેચવામાં આવે તો તેના મૂલ્યમાં સારો એવો વધારો કરી શકાય છે અને સાથે સાથે સારો નફો મળી શકે છે.
સુકવણી દ્વારા મૂલ્યવૃદ્ધિઃ મોટાભાગના શાકભાજીના પાકોમાં શરૂઆતમાં ભેજની માત્રા વધારે હોય છે. વધુ પડતા ભેજને કારણે સામાન્ય વાતાવરણમાં શાકભાજી ઝડપથી બગડી જાય છે. તો આપણે એવા શાકભાજી માટે સૂર્ય દ્વારા સૂકવણી અથવા સોલર ડ્રાયર દ્વારા સૂકવણી કરીને આપણે મૂલ્યવર્ધન કરી શકીએ છીએ.
કેનિંગ દ્વારા મૂલ્યવૃદ્ધિઃ કેનિંગ એટલે શાકભાજી અને ફળોને પરિક્ષણ માટે તેને ડબ્બામાં પેક કરવા. પેક કર્યા પહેલા અને પેક કર્યા બાદ ગરમી આપવામાં આવે છે જેથી સુક્ષ્મ જીવાણુંઓનો ઉપદ્રવ થઇ શકતો નથી. કેનિંગ કરવાથી ખાદ્ય પદાર્થ લાંબા સમય સુધી રાખી શકાય છે તેમજ પ્રોટીન, કાર્બોહાઈડેÙટસ, પ્રજીવકો અને ખનીજ દ્રવ્યોનો નાશ થતો નથી.
કૃષિ ક્ષેત્રે ઉગાડવામાં આવતા પાકોમાં મૂલ્યવર્ધન કેવી રીતે થઈ શકે છે? કૃષિ ક્ષેત્રે ઉગાડવામાં આવતા પાકોની મૂલ્યવર્ધક બનાવટોઃ ૧.ઘઉંઃ મેંદો, સોજી, ૨.મગફળીઃ તેલ, ખોળ, ઉંજણતેલ, ૩.તલઃ તેલ, મુખવાસ, ચીકકી, ૪.એરંડાઃ તેલ, ખોળ, ઉંજણતેલ, ૫.કેળાઃ વેફર, પલ્પ, પાઉડર, જામ, ૬.કેરી:પલ્પ, આમચૂર, જામ, પાપડ, અથાણા, ૭. લીંબુઃ અથાણું, સીરપ, પેક્ટીન, લીંબુના ફૂલ, ૮.જામફળઃ જામ, જેલી, ૯.ચીકુઃ જામ, પાઉડર, પલ્પ, ૧૦.પપૈયાઃ જામ, જેલી, ટુટીફૂટી, પેપીન, ૧૧.ખાટી આમલીઃ ચટણી, રસ, જામ, ૧૨.ડુંગળી અને લસણઃ પાઉડર, ૧૩.બટાટાઃ વેફર, કાતરી, ૧૪.જીરૂઃ પાઉડર, ૧૫.વરિયાળીઃ મુખવાસ, ૧૬.ધાણાઃ ધાણા દાળ, પાઉડર, ૧૭. ગુલાબ, સેવંતી, મોગરાઃ ફલોરલ, વેણી.
મૂલ્યવર્ધનને અસર કરતી બાબતો શું છે? તકનીકનો ઉપયોગ સમયસર કરવો (પ્રોડક્ટ અને પ્રોસેસિંગ)
તકનીક (પ્રોડક્ટ અને પ્રોસેસિંગ) નો ઉપયોગ સુવ્યવસ્થિત અને સમયસર કરવામાં આવે તો ઉંચી ગુણવત્તાવાળી પ્રોડક્ટ ડેવલપ કરી શકાય છે.
કાચા માલની ગુણવત્તાઃ કાચો માલ યોગ્ય ગુણવત્તા ધરાવતો ન હોય તો તેના સારા ભાવ મળતા નથી અને આવા કાચા માલની નિકાસ પણ થઇ શકતી નથી. તો સારી વસ્તુ બનાવવા માટે માલની ગુણવત્તા સારી હોવી જરૂરી છે.
ગ્રાહક અને વપરાશકારકોઃ ગ્રાહકોની રૂચી, તેનું વલણ, ખરીદ શક્તિ, માંગ, જીવન ધોરણ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી મૂલ્યવૃદ્ધિનો અભિગમ અપનાવવો જોઈએ.
માંગ અને પુરવઠોઃ માંગ વધે તો પુરવઠો ઘટે અને ભાવ વધે, માંગ ઘટે તો પુરવઠો વધે અને ભાવ ઘટે. ખેડૂતો પોતાની પેદાશ કયારે, કેવી રીતે, કેવી ગુણવત્તા વાળી અને ક્યા ઉત્પાદન મુકવાના છે તે સઘળી બાબતો મૂલ્યવૃદ્ધિને અસર કરે છે. તો આ બધી પ્રક્રિયાઓને અપનાવીને આપણે કૃષિ પેદાશોમાં મૂલ્યવર્ધન કરીને સારા ભાવ અને ગુણવત્તા મેળવી શકીએ છે.