અમરેલી જિલ્લામાં ૧૫ દિવસના ઇન્ટેસિવ મતદાન જાગૃતિ અભિયાન અન્વયે અમરેલી સ્થિત ગાંધીબાગ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયા, ખર્ચ અને નોડલ અધિકારી પરિમલ પંડ્‌યા અને ખર્ચ નિરીક્ષક શ્રીનિવાસુ કોલ્લીપકાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ફ્‌લેશ મોબ’ યોજાઈ હતી. કાર્યક્રમની શરુઆતમાં કેતનભાઇ મહેતા અને ગ્રુપ દ્વારા મતદાન જાગૃતિના થીમ સોંગ પર સુંદર નૃત્ય કરીને ઉપસ્થિત સૌ કોઇને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ તકે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ કહ્યુ કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં ચૂંટણીનો અવસર આવ્યો છે ત્યારે અમરેલી લોકસભા વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે. મહત્તમ નાગરિકો મતદાન કરે તે અંગે લોકોને પ્રેરિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા એક મહિનામા TIP અને SVEEP અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળો પર જઇને પાંચ લાખ કરતા વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયે ગાંધીબાગમાં આ “ફ્‌લેશ મોબ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યુ કે, મને વિશ્વાસ છે કે તેનાથી પ્રેરિત થઈને સાતમી તારીખે વધુ ને વધુ સંખ્યામાં લોકો મતદાન કરશે, ઉપરાંત આ સંદેશ અમરેલી બહાર વસતા અમરેલી જિલ્લાના મતદારોને પણ પહોંચાડવામાં આવશે.