“અતિ સર્વત્ર વર્જ્યતે” આ કહેવત મુજબ જ્યારે જ્યારે માણસની મહત્વાકાંક્ષા ખૂબ વધી જાય છે ત્યારે તે ભાન ભૂલી જાય છે. માત્ર પોતાના સુખ, સગવડ કે વર્ચસ્વ માટે વિચારનાર વ્યક્તિ બીજા અનેક માટે અગવડતાઓ ઉભી કરતા અચકાતા નથી. સામાન્ય રીતે માણસ બે રીતે આગળ વધવા પ્રયાસ કરતો જોવા મળે છે. કોઈ પોતાની લીટી લાંબી કરીને આગળ વધે છે તો કોઈ બીજાની લીટી ટૂંકી કરીને પોતાની લીટી લાંબી દેખાડવા પ્રયત્નશીલ હોય છે. આમ બન્ને રીતમાં ઘણો બધો ફરક જોવા મળે છે. માત્ર પોતાનું જ વિચારવું એ મહાપાપ છે. જ્યારે જ્યારે વ્યક્તિ અતિ મહત્વાકાંક્ષી બની જાય છે ત્યારે એને બીજા કોઈના સુખ-દુઃખ કે અગવડતા-સગવડતા દેખાતી જ નથી અને દેખાતી હોય તો પણ ધ્યાને લેતા જ નથી. એનું કારણ ભવિષ્યની પોતાની સેફ સાઈડ જોવાની સ્વાર્થ વૃત્તિ. બાળકથી માંડીને વૃદ્ધ સુધીના લોકોના જુદા જુદા ગ્રુપમાં પોત પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટેની આંતરિક લડાઈ કે ખેંચતાણ જોવા મળે છે. બાળકોનું શેરીનું ગ્રુપ હોય કે શાળાનું ગ્રુપ હોય ત્યાંથી વર્ચસ્વની હરીફાઈ શરૂ થાય છે. પછી જેમ જેમ આગળ વધીએ એમ આ વિચારબીજ ધીમે ધીમે વટવૃક્ષ બનતું જાય છે. આ વાત ધંધા, નોકરી, જાહેરજીવન, સમાજ કે સ્વૈÂચ્છક સંસ્થાઓ વગેરે દરેક ક્ષેત્રોમાં જોવા મળે છે. મૂળભૂત રીતે માણસની સ્વભાવગત લાક્ષણિક્તા જ છે કે દરેક જગ્યાએ પોતાનું ચાલે, પોતાને સૌ પૂછે, પોતાની જ વાહવાહી થાય. એનું પણ અમુક લેવલ કે સ્તર હોય છે. નોર્મલ લેવલ સુધી મહત્વાકાંક્ષા સહજ ગણાય છે એટલું તો દરેક માણસના સ્વભવમાં હોય છે એટલે સ્વીકાર્ય હોય છે. સમાજમાં એની બહુ અસર પડતી નથી. પણ જ્યારે આ મહત્વાકાંક્ષા હાઈ લેવલ ક્રોસ કરે છે ત્યારે વિવેકી ગણાતી વ્યક્તિ પણ પોતાનું સ્થાન ભૂલીને ના કરવાની ભૂલો કરી બેસે છે. એની અસર વ્યાપક વર્ગ કે સમુદાય પર પડતી હોય છે. અને એના પરિણામ સ્વરૂપે સાધારણ લાગતી બાબતો પણ અસાધારણ લાગવા માંડે છે. એવું થાય ત્યારે સામાજિક લેવલે કે સંસ્થાકીય લેવલે મોટી ઉથલપાથલ થતી હોય છે. જ્યારે જ્યારે આવું બને છે ત્યારે ચારેબાજુ ખૂબ મોટા ફેરફાર થતા જોવા મળે છે. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો આવા ફેરફારો ઉડીને આંખે વળગે છે. જ્યારે જ્યારે સત્તા પરિવર્તન થયા છે ત્યારે તેના મૂળમાં કોઈ શાસકની અતિ મહત્વકાંક્ષાઓ જવાબદાર હોય છે. વિશાળ જનસમુદાયને બાજુએ રાખીને માત્ર ને માત્ર પોતાની સર્વશ્રેષ્ઠતા સાબિત કરવાના ચક્કરમાં જનહિત વિસરાઈ જાય છે ત્યારે આવા પરિવર્તનોની શરૂઆત થતી હોય છે. જ્યારે સિદ્ધાંતો કરતા સત્તાને મહત્વ અપાય ત્યારે સમજી જવું કે હવે ,“સર્વજન હિતાય, સર્વજન સુખાય” ને બદલે સ્વહિત સ્થાન લઈ રહ્યું છે. આવા સમયે મસલ અને મનીના મદમાં મસ્ત માણસ પોતાનાને છોડીને પારકાને વ્હાલસોયા કરતા હોય છે. દરેક વ્યક્તિ પોતાના વિકાસ માટે પ્રયત્ન કરતી હોય છે પણ અમુક નીતિ, નિયમ કે સિદ્ધાંતોના દાયરામાં રહીને ચાલે ત્યાં સુધી બધાને સમભાવ રહે છે જ્યારે મર્યાદાઓનું ઉલ્લંઘન થવા માંડે ત્યારે લાગતા વળગતા સૌની સહનશક્તિની પણ એક સીમા હોય છે. એ સીમાની પાળ તૂટે પછી ચારેબાજુ ઉહાપોહ થવા લાગે છે. દબાયેલી સ્પ્રિંગ જેમ ડબલ વેગથી ઉછળે છે તેવી જ રીતે શિસ્તના ઓઠા નીચે દબાયેલ અવાજ પડઘમ બનીને ચારે બાજુ પોકારે છે. ઘણીવાર લોકમુખે એવું સાંભળવા મળે કે હવે તો હદ થઈ ગઈ! ત્યારે સમજદાર હોય તો તેણે આત્મમંથન કરવું જોઈએ. અન્યથા વર્ચસ્વ ઓસરતાં વાર નથી લાગતી. ક્યારેક ક્યારેક તો સૌનું થાય તે આપણું થાય એમ સ્વીકારીને, મન મનાવીને પરાણે સહન કરતા પામર માનવીઓની પરિસ્થિતિ ના કહેવાય, ના સહેવાય જેવી થાય છે. વ્યક્તિની સફળતા કે લોકપ્રિયતાનો ગ્રાફ અમુક લેવલ સુધી ઉપર ચડે છે પછી મહત્વાકાંક્ષાનું જોર વધે ત્યારે એની આડઅસર સ્વરૂપે આ ગ્રાફની દિશા બદલાય છે અને જ્યાં સુધી માણસની દશા ના બદલાય ત્યાં સુધી નીચે તરફ ગતિ કરવા માંડે છે. માટે સૌના વિકાસમાં જ સ્વનો વિકાસ સમાયેલ છે એમ સમજીને મધ્યમમાર્ગી બનીને બિન-વિવાદાસ્પદ કાર્યપ્રણાલી અપનાવવામાં જ પોતાનું હિત સમાયેલું છે એમ સમજીને સૌને સાથે રાખવામાં જ સ્વની અને સૌની ભલાઈ છે એમ સમજવું શાણપણની નિશાની છે.