અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનું નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઔડા દ્વારા ૩૧૦૧.૭૩ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં રિંગરોડને ૬ લેનનો બનાવવાથી લઈને ગોધાવી અને મણીપુરમાં પણ વિવિધ પ્રોજેક્ટ અને વિકાસકાર્યોની જાગવાઈ કરવામાં આવી છે.
ઔડાના સીઇઓ ડી.પી દેસાઈએ જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઔડા દ્વારા મણીપુર અને ગોધાવીમાં મોડલ ટીપી સ્કીમ અંતર્ગત સ્ટ્રીટ ડેવલોપમેન્ટ જેમાં સાયકલ ટ્રેક, ફુટપાથ, સ્ટ્રીટ લાઇટ, જંકશન ડેવલોપમેન્ટ, યુટીલીટી ડક્ટ, કર્બીગ ઉપરાંત ગ્રીન ઇન્ફાસ્ટ્રક્ચર જેવા કે, લેક ડેવલોપમેન્ટ, પાર્ક-ગાર્ડન તેમજ અન્ય સોશિયલ અને ડિઝીટલ ઇન્ફ્રાસ્ટ્રકચરની કામગીરી કરવાનું આયોજન હાથ ધર્યું છે.
બજેટની મહત્વની જાહેરાતો
વિકાસ પરવાનગી અંગેની રૂ.૨૪૮ કરોડ, ગુડા ફી-૨૦૨૨ ની રૂ.૨૦ કરોડ અને ટાઉનશીપ અંગેની રૂ.૧૯.૧૫ કરોડ એમ કુલ રૂ.૨૮૭.૧૫ કરોડ આવક થશે.
સરકાર તરફથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રોથ સેન્ટરના વિકાસ માટે રૂ.૧૧૩ કરોડ, એ.ડી.બી. પ્રોજેક્ટ અંગે રૂ.૧૦૦ કરોડ, રીંગરોડના અપગ્રેડેશન માટે રૂ.૧૦૦ કરોડ, જી.એમ.એફ.બી. તરફથી માળખાકીય સુવિધા માટે રૂ.૧૪૨ કરોડ, જલ-જીવન મિશન માટે રૂ.૧૦ કરોડ, ઇડબલ્યુએસ યોજનાની બાકી ગ્રાન્ટ રૂ.૧૦.૮૦ કરોડ મળી એમ કુલ રૂ.૪૭૫.૮૦ કરોડનું અનુદાન સરકારમાંથી અમલીકરણ શાખાના કામો અંગે મળવાનો અંદાજ છે.
સત્તામંડળ હસ્તકના પ્લોટોના વેચાણના ૧૩૦૦ કરોડ, દુકાન વેચાણની આવકના ૫ કરોડ, એફોર્ડેબલ મકાનના લાભાર્થીઓનો હપ્તાની આવક રૂ.૧૫.૩૬ કરોડ એમ મળીને કુલ રૂ.૧૩૨૦.૩૬ કરોડ આવકનો અંદાજ છે.
સત્તામંડળ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના સર્વાંગી વિકાસની કામગીરી માટે એશિયન ડેવલોપમેન્ટ બેંક પાસેથી લોનની મંજુરી મળેલી છે. જેમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૫૬૦ કરોડ લોન મળવાનો અંદાજ છે.
સત્તામંડળ વિસ્તારના ૬૦મી રીંગરોડને ચારમાર્ગીય માંથી છ માર્ગીય કરવા અંગેના વિકાસકામ માટે રાજય સરકાર તરફથી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૩૦૦ કરોડ લોન મળવાનો અંદાજ છે.
સત્તામંડળની એફડીના વ્યાજની આવક રૂ.૫૫ કરોડ સાથે કુલ મહેસુલી આવક રૂ.૯૧.૩૨ કરોડ થવાનો અંદાજ છે.
ડિપોઝીટ અને એડવાન્સ પેટે રૂ.૮૦ કરોડની આવકનો અંદાજ છે.
આમ, નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં કુલ રૂ.૩૧૧૯.૮૩ કરોડ આવક થવાનો અંદાજ છે.
રસ્તાઓનું નિર્માણ :- ઔડા હસ્તકની વિવિધ ટી.પી.સ્કીમમાં તેમજ ઔડાના ગ્રોથ સેન્ટર જેવા કે, કલોલ, સાણંદ, મહેમદાવાદ, દહેગામ, બારેજામાં નવા ટી.પી. રસ્તા બનાવવા માટે આગામી નાણાંકીય વર્ષમાં રૂ.૬૦૦ કરોડના ખર્ચની જાગવાઇ કરેલી છે. વધુમાં હયાત રોડની જાળવણી તથા નિભાવણી માટે રૂ.૧૨ કરોડની જાગવાઇ કરેલી છે.
સ્ટ્રોમ વોટર નેટવર્કના કામો :- કલોલ, લીલાપુર, ઓડિયાર વિસ્તારની ટી.પી.સ્કીમમાં સ્ટ્રોમ વોટર નેટવર્ક માટે આગામી નાણાંકીય વર્ષમાં રૂ.૧૦૦ કરોડની જાગવાઇ કરેલી છે.






































