ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના બાદ હવે મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ (ઓર્ડર) જાહેર કરવામાં આવ્યો છે. મોટાભાગના મંત્રીઓને ૨-૨ જિલ્લાઓની પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ૬ જેટલા મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને તેમને ગાંધીનગર અને વડોદરાના પ્રભારી મંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. રિપીટ કરાયેલ અન્ય મંત્રીઓનાં પ્રભારી જિલ્લાઓ પણ યથાવત જ રાખવામાં આવ્યા છે.કૃષિ મંત્રી જીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી  ઋષિકેશ પટેલને અમદાવાદ અને વાવ-થરાદ (બનાસકાંઠા) વિસ્તારના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. નવા મંત્રીમંડળના સભ્યોને આ રીતે પ્રભારી જિલ્લાઓ ફાળવવાથી વહીવટી કાર્યક્ષમતા વધારવાનો અને વિવિધ જિલ્લાઓ સાથે મંત્રી સ્તરે સીધો સંપર્ક જાળવવાનો હેતુ રહેલો છે. દરેક મંત્રી હવે તેમના પ્રભારી જિલ્લાઓમાં સરકારી યોજનાઓના અમલ અને વિકાસના કાર્યો પર વિશેષ ધ્યાન આપી શકશે.