ગોંડલના ગુંદાળાથી પાટિદળ રોડ પર પેરેડાઈઝ પાર્ટી પ્લોટ નજીક એક અકસ્માત સર્જાયો હતો. કુતિયાણા નજીકની બાવળાવદર દરગાહના દર્શન કરીને પરિવાર પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રીક્ષા ચોરડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં ટ્રાફિક હોવાને કારણે ચાલકે વૈકલ્પિક રૂટ તરીકે ફરી પાટિદળ રોડ તરફ રીક્ષા વાળી હતી. આ દરમિયાન અચાનક રિક્ષાનું હેન્ડલ એક સાઈડ ખેંચાવા લાગતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને પૂરઝડપે દોડતી રીક્ષા રોડની બાજુમાં આવેલા વોકળામાં ખાબકી હતી અને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર ૬ થી ૭ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. જેમાં સુમેરા સીદીકભાઈ કાતીયાર
(ઉ.વ. ૪૦, રહે. સંગમ પાર્ક, ગોંડલ), વસીમભાઈ હનીફભાઈ મકવાણા (ઉ.વ. ૪૦, રહે. સરગમ પાર્ક, ગોંડલ), નફીસાબેન વસીમભાઈ મકવાણા (ઉ.વ. ૧૩), રુબીનાબેન વસીમભાઈ મકવાણા (ઉ.વ. ૨૯, રહે. સરગમ પાર્ક, ગોંડલ), સીદીકશા ઓસમાણશા કતિયાર (ઉ.વ. ૪૨) ને ઇજા થઇ છે. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.





































