અમરેલી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે વધુ એક વખત સમયસૂચકતા અને કુશળતાનો પરિચય આપીને માતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો હતો. તા. ૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રાત્રે ૯ઃ૩૫ કલાકે કોલડા ગામના વાડી વિસ્તારમાં પ્રસૂતિનો કોલ મળતાં ૧૦૮ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન મહિલાના લોહીનું પ્રમાણ ઓછું હોવાનું અને અસહ્ય પ્રસૂતિપીડા થતી હોવાનું જણાયું હતું. જેથી સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. ઇએમટી સાગરભાઈ મકવાણા અને પાયલોટ યોગેશભાઈએ કુશળતાથી પ્રસૂતિ કરાવી હતી. જન્મ બાદ બાળકના ગળામાં ગર્ભનાળ વિંટળાયેલી હોવાનું જણાતાં ઇએમટીએ સૂઝબૂઝથી તેને દૂર કરી ઓક્સિજન દ્વારા સારવાર આપી હતી. ત્યારબાદ માતા અને બાળકને વધુ સારવાર માટે કુંકાવાવ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૧૦૮ની ટીમની કામગીરી બદલ પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.