કોડીનાર-ઉના ફોરટ્રેક હાઈવે પર દેવળી ગામ નજીક રાત્રે અચાનક સાંઢ સાથે બાઈક અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ૩૦ વર્ષીય ગોપાલભાઈ મોરીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે સાથી યુવક લલિત વાણવી ગંભીર ઇજાઓને કારણે કોમામાં સરી પડતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવાનના આકસ્મિક મોતથી પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવને પગલે નેશનલ હાઈવે પર રખડતા પશુઓની ગંભીર સમસ્યા સામે લોકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્‌યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા મોટો ટોલટેક્સ વસૂલવા છતાં સુરક્ષા અને સુવિધાઓનો તદ્દન અભાવ છે. લોકોએ હાઈવે પરથી તાત્કાલિક રખડતાં ઢોર હટાવવા, રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની વહીવટી તંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે.