અમદાવાદમાં યોજાનારી ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં રમતગમતના માળખાને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની દિશામાં મોટું આયોજન હાથ ધરાયું છે.કરાઈ ખાતે ગુજરાત પોલીસ એકેડમીના ૧૪૩ એકર વિસ્તારમાં અંદાજે રૂ. ૧,૪૫૦ કરોડના ખર્ચે વિશાળ સ્પોર્ટ્સ હબ વિકસાવવાની યોજના છે. આ સંકુલમાં ૫૦ હજાર દર્શકોની બેઠક ક્ષમતા ધરાવતું એથ્લેટિક્સ સ્ટેડિયમ, આંતરરાષ્ટ્રીય ધોરણનું ઈન્ડોર શૂટિંગ સેન્ટર અને વિવિધ રમતો માટેની મલ્ટી-સ્પોર્ટ્સ ઈન્ડોર એરેના સહિતની સુવિધાઓ ઊભી કરાશે.
આ સમગ્ર સંકુલને સ્પર્ધાત્મક રમતો, તાલીમ, રહેણાક અને ખેલાડીઓને જરૂરી સહાયક સુવિધાઓના સંકલન સાથે એક આધુનિક હાઈ-પર્ફોર્મન્સ સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈન્ડોર શૂટિંગ સેન્ટરમાં ૧૦, ૨૫ અને ૫૦ મીટરની રેન્જ બનાવવામાં આવશે. જ્યારે ઈન્ડોર એરેના વિવિધ રમતોની સ્પર્ધાઓ અને મોટા રમતગમતના કાર્યક્રમોના આયોજનને અનુરૂપ તૈયાર કરાશે.માસ્ટર પ્લાનમાં રમતગમત, તાલીમ, વહીવટ, શિક્ષણ, રહેણાક સુવિધાઓ અને સ્પર્ધાઓના સંચાલન માટે અલગ-અલગ ઝોન બનાવવાની જાગવાઈ છે. સમગ્ર સંકુલની રચના એવી રીતે કરાશે કે મોટી સ્પર્ધાઓ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ, દર્શકો અને સહાયક કર્મચારીઓની અવરજવર સરળતાથી થઈ શકે.







































