વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે જાપાનમાં તાજેતરમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓને મળશે. તેઓ ખેલાડીઓ સાથે વાતચીત કરશે અને સંબોધન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, આ કાર્યક્રમ ગુરુવારે સાંજે ૪:૩૦ વાગ્યે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. ભારતીય ટુકડી હાજરી આપશે.જાપાનના આઈચી-નાગોયામાં ગયા મહિને યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને દેશ માટે એક નવો રેકોર્ડ બનાવ્યો. સ્પર્ધામાં કુલ ૯૭ ભારતીય પેરા એથ્લેટ્સે ૧૧૪ મેડલ જીત્યા. ભારતીય ટુકડીએ સ્પર્ધામાં ૩૦ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૪૯ બ્રોન્ઝ મેડલ જીત્યા. એશિયન પેરા ગેમ્સના ઇતિહાસમાં આ ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.
મેડલ વિજેતા ખેલાડીઓ ઉપરાંત, તેમના કોચ, ભારતીય પેરલીમ્પિક સમિતિ અને ભારતીય ઓલમ્પિક એસોસિએશનના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે હાજર રહેશે. રાષ્ટ્રીય રમતગમત ફેડરેશનના પ્રતિનિધિઓ અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના અધિકારીઓ પણ હાજરી આપે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી રમતવીરોના પ્રદર્શન અને સિદ્ધિઓ પર પોતાના વિચારો શેર કરશે.






































